રાજ્યભરમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે અમદાવાદના ગોળલીમડા વિસ્તારમાં રાત્રે ફૂટપાથ નજીક સૂઈ રહેલા શ્રમિકનું ઠંડીના કારણે ઠૂંઠવાઈ જતાં મૃત્યુ થયું હતું

અમદાવાદ, તા.ર૯
રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે એકાદ દિવસ સામાન્ય રાહત બાદ ફરી એકવાર ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરોથી રાજસ્થાનમાં હિમવર્ષા થઈ હતી, તેમજ ઠંડા પવનોની અસરથી સોમવારે ગુજરાતના ૭ શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રી નીચે નોંધાયો હતો. કચ્છ, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીમાં વધારો થતાં લોકોએ દિવસે પણ ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ ૩૦ જાન્યુઆરીથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે, ત્યારબાદ ફરીથી ર ફેબ્રુઆરીથી ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, સોમવારે અમાદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનોને કારણે ઠંડીનું જોર યથાવત રહ્યું હતું. અમદાવાદના મહત્તમ તાપમાનમાં રવિવાર કરતાં ૧ ડિગ્રી વધીને રપ.ર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૪.૩ ડિગ્રી ગગડીને ૮.૬ ડિગ્રી નોંધાયું હતું. આગામી ર૪ કલાક અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત્‌ રહ્યા બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં ૩૦મીથી હિમવર્ષાર્ ચાલુ થશે. તા.૩૧થી ર ફેબ્રુઆરી દરમિયાન કાશ્મીરમાં મધ્યમથી ભારે હિમવર્ષા તેમજ ઉત્તર ભારતના રાજ્યોના મેદાની વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા છે, જેને પગલે તા.ર ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા છે. જો કે, હાલ પણ બરફીલા પવનો સાથે રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર જારી છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં ૭.૧, ડીસામાં ૭.ર, ગાંધીનગરમાં ૮.પ, વલસાડમાં ૮.૬, કંડલા એરપોર્ટમાં ૮.૭, વડોદરામાં ૯.૦, આણંદમાં ૯.૧, અમદાવાદમાં ૯.૬, સુરેન્દ્રનગરમાં ૧૦.૩, અમરેલીમાં ૧૦.૪, ભૂજમાં ૧૧.૪, રાજકોટમાં ૧૧.પ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે આ વખતની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યાં ફેબ્રુઆરીના આરંભ પૂર્વથી જ પંખા એસી ચાલુ કરવા પડતા હતા ત્યાં આ વર્ષે ગરમ વસ્ત્રો પહેરવા અને ધાબળા ઓઢવાની ફરજ પડી છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ લઘુતમ તાપમાન
નલિયા ૭.૧
ડીસા ૭.ર
ગાંધીનગર ૮.પ
વલસાડ ૮.૬
કંડલા એરપોર્ટ ૮.૭
વડોદરા ૯.૦
આણંદ ૯.૧
અમદાવાદ ૯.૬
સુરેન્દ્રનગર ૧૦.૩
અમરેલી ૧૦.૪
ભૂજ ૧૧.૪
રાજકોટ ૧૧.પ