(એજન્સી)
થિરૂવનંતપુરમ, તા. ૩૧
કેન્દ્રીય પ્રવાસન મંત્રી કે જે અલ્ફોન્સે સોમવારે આંચકાજનકનિવેદન આપતા કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા ખરાબ કરવા માટેના ઇરાદાથી મુસ્લિમ અને ખ્રિસ્તી મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા માગતી હતી. બીજી તરફ વિપક્ષે તેમના નિવેદનની ટીકા કરતા કહ્યું કે, અલ્ફોન્સ દ્વારા આ મુદ્દાને કોમવાદી રૂપ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય પર્યટન રાજ્ય મંત્રી કે જે અલ્ફોન્સને પુછવામાં આવ્યું કે, સબરીમાલા મંદિરને કોણ અપવિત્ર કરવા માગે છે ત્યારે તેમણે કહ્યું કે, એક મુસ્લિમ મહિલા જે ક્યારેય મસ્જિદમાં જતી નથી જે પોતાની વાતને સાબિત કરવા માટે સબરીમાલામાં પ્રવેશ કરવા માગતી હતી અને એક ખ્રિસ્તી મહિલા જે ક્યારેય ચર્ચમાં નથી જતી જે ફક્ત મીડિયામાં સમાચારોમાં રહેવા માટે સબરીમાલામાં પ્રવેશ કરવા માગતી હતી.
અલ્ફોન્સે કહ્યું હતું કે, સબરીમાલામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા આલોકો કોણ છે. હું બે વખત સબરીમાલા ગયો છું. સબરીમાલામાં જવાનો પ્રયાસ બે લોકો કરી રહ્યા હતા. જેમાં એક મહિલા અન્ય ધર્મની હતી જેમાં એક મુસ્લિમ અને એક ખ્રિસ્તી મહિલા હતી. હવે મને કહો કે, શું તેઓ ઐયપ્પાના ચાહક હોવાથી ત્યાં ગયા હતા. તેમનો ઇરાદો શું હતો. મારા મતે આ સમગ્ર પ્રક્રિયા કાયદો વ્યવસ્થા બગાડવાની હતી. આ ચલાવી શકાય નહીં. મુક્ત મને બોલવું જોઇએ પણ સારૂ હોય. આવી બાબતો રાજ્યની શાંતિ ડહોળવાનું કામ કરે છે.
સોમવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને અમિત શાહના નિવેદનને લઇ તેમની સામે વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, અમિત શાહ પાસે એટલી શક્તિ નથી કે, તેઓ ડાબેરીઓની તેમની સરકાર પાડી શકે. રવિવારે રાતે પલક્કડમાં એક રેલીને સંબોધતા તેમણે અમિત શાહ પર જોરદાર પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપના ગોડફાધર કહે છે કે, તેઓ કેરળ સરકારને પાડી દેશે, પણ તેમનું શરીર ફક્ત પાણીથી બન્યું છે તેઓ આમ કરી નહીં શકે. સારૂ છે કે તેઓ આ બધું ગુજરાતમાં કરે. વિજયનના આ નિવેદનને સભાના લોકોએ વધાવી લીધું હતું.