(એજન્સી) દુબઇ,તા.૧
કતાર સાથે રાજદ્વારી સંબંધો કાપી નાંખનાર ચાર આરબ રાષ્ટ્રોએ કતારના વિમાનોના ઉપયોગ માટે ઇમરજન્સી રૂટ ખોલી નાંખ્યા છે.યુનાઇટેડ આરબ અમિરાતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના સહયોગથી નવ કોરિડોર ખોલવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે આ રૂટમાં યુએઇ દ્વારા સંચાલિત દરિયાપારના વિસ્તારો અને ઇજિપ્ત દ્વારા સંચાલિત એક ભૂમધ્ય સમુદ્રના વિસ્તારનો સમાવેશ થાય છે. આતંક વિરોધી સમૂહમાં સઉદી અરેબિયા, ઇજિપ્ત, યુએઇ અને બેહરિનનો સમાવેશ થાય છે, જેમણે જૂન મહિનાની શરુઆતમાં કતાર પર આતંકવાદનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે કતારે આ આરોપને નકારી કાઢ્યો હતો. પ્રદેશની સૌથી મોટી એરલાઇન્સમાંથી એક તેની કતાર એરલાઇન્સ આ પગલાને કારણે પોતાની અનેક ફ્લાઇટના રૂટ બદલવા તથા દુબઇ જેવા મુખ્ય પ્રાદેશિક સ્થળો માટેના રૂટને બંધ કરવા માટે મજબૂર થઇ હતી.