(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૪
શાહીનબાગ ખાતે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાં આવવાનું અને તેમની સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાનું આમંત્રણ આપ્યું છે.
ગત વર્ષે ૧પ ડિસેમ્બરથી નાગરિકતા સુધારા કાયદો (CAA) અને એન.આર.સી.ને સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તે માટે શાહીનબાગ ખાતે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શુક્રવારે પ્રદર્શનકારીઓએ મોદી માટે ‘પ્રેમના ગીત’ અને ‘એક સરપ્રાઈઝ ગિફટ’ની પણ રજૂઆત કરી હતી.
પ્રદર્શન સ્થળ પર તેના પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેને પ્રસારિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, “વડાપ્રધાન મોદી, કૃપા કરીને શાહીનબાગ આવો, તમારી ભેટ લો અને અમારી સાથે વાત કરો”
શાહીનબાગમાં પ્રદર્શન કરી રહેલા એક પ્રદર્શનકારી સૈયદ તાસીર અહેમદે મીડિયા કર્મીઓને જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ કે અન્ય કોઈપણ અહીં આવે અને અમારી સાથે વાત કરે. જો તેઓ અમને એ બાબત સમજાવી દેશે કે, જે કંઈ પણ બની રહ્યું છે, તે બંધારણની વિરૂદ્ધમાં નથી, તો અમે અમારું આ પ્રદર્શન સમાપ્ત કરી દઈશું.”
પ્રદર્શનકારીએ ઉમેર્યું કે, સરકારના દાવા મુજબ સીએએ દ્વારા “નાગરિકતા આપવામાં આવશે નહીં કે કોઈની નાગરિકતા છીનવી લેવામાં આવશે.” પરંતુ કોઈપણ એ જણાવી રહ્યું નથી કે, આ દેશને કેવી રીતે ઉપયોગી થશે. અહમદે કહ્યું કે, “સીએએ બેરોજગારી, ગરીબી અને આર્થિક મંદી જેવા ગંભીર મુદ્દાઓને દૂર કરવામાં આપણી મદદ કેવી રીતે કરશે ?”
શાહીનબાગના લોકોએ સીએએનો અનોખો વિરોધ કરતાં વડાપ્રધાન મોદીને તેમની સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે આમંત્રણ આપ્યું, જેનું અનાવરણ હજારો પ્રદર્શનકારીઓની હાજરીમાં દબંગ દાદી દ્વારા કરવામાં આવ્યું, જેમાં એક મોટું લાલ રંગનું ટેડીબિયર હતું.
વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવા માટે કરાયેલી એક ટ્‌વીટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ઈંતુમ કબ આઓગે, વડાપ્રધાનને શાહીનબાગ આવવાનું અને સાથે મળીને પ્રેમના તહેવારની ઉજવણી કરવાનું હાર્દિક આમંત્રણ શાહીનબાગ પ્રોટેસ્ટ ઈંઈન્ડિયા-વિથ- શાહીનબાગ.’
અન્ય એક ટ્‌વીટમાં લખ્યું છે કે, “અમે પીએમ મોદી માટે એક પ્રેમના ગીત અને સરપ્રાઈઝ ગિફટની રજૂઆત કરીશું. પીએમ મોદી, કૃપા કરીને તમે શાહીનબાગ આવો, તમારી ભેટ લઈ જાવ અને અમારી સાથે વાત કરીને અમારી ચિંતાઓને સમજો.”