નવીદિલ્હી,તા. ૧૮
દિલ્હીમાં ચાલી રહેલી ધરણા પોલિટિક્સને લઇને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ મેદાનમાં ઉતરી ગયા છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં ચાલતા ધરણા પ્રદર્શનના સંદર્ભમાં આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલે આજે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી, ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ લોકો ચર્ચામાં છે. રાહુલે કહ્યું છે કે, દિલ્હીમાં ચાલી રહેલા ડ્રામાની પાછળ ત્યાંના લોકો પીડિત તરીકે થઇ ગયા છે. દિલ્હીમાં આઈએએસ અધિકારીઓની હડતાળને ખતમ કરાવવા અને ડોરસ્ટેપ યોજનાને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા તેમના કેબિનેટના મંત્રીઓ એલજી ઓફિસમાં ધરણા કરી રહ્યા છે. ત્યારબાદ પાણીના મુદ્દાને લઇને ભાજપના નેતાઓ પણ મુખ્યમંત્રીના આવાસમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આજે આ મામલા પર રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એલજી ઓફિસમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપના લોકો મુખ્યમંત્રીના આવાસ ઉપર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીના અધિકારીઓ પત્રકાર પરિષદો યોજી રહ્યા છે. વડાપ્રધાન આ સમગ્ર અંધાધૂંધીની અવગણના કરી રહ્યા છે. આ ડ્રામાબાજીના કારણે દિલ્હીના લોકો ભારે પરેશાન થયેલા છે. આજે એલજી ઓફિસમાં ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઇ હતી. અત્રે નોંધનીય છે કે, દિલ્હીમાં ધરણા પોલિટિક્સ અને રાજનીતિનો અંત લાવવા માટે ચાર મુખ્યમંત્રીઓ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી ચુક્યા છે. જે મુખ્યમંત્રી રજૂઆત કરી ચુક્યા છે તેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીનો સમાવેશ થાય છે. આ તમામ મુખ્યમંત્રી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. બેઠકના ગાળા દરમિયાન જ આ લોકોએ અલગથી વડાપ્રધાનને મળીને રજૂઆત કરી હતી અને દિલ્હીમાં ધરણા પોલિટિક્સનો અંત લાવવા અપીલ કરી હતી.