રાજકોટ,તા.૨૮
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. છ દિવસમાં વ્યાજખોરોના ત્રાસનો ત્રીજો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. રોજના ૩૦૦ રૂપિયા વ્યાજ લેખે ૩ દિવસના ૯૦૦ રૂપિયા વ્યાજના ચડત થઇ જતા વ્યાજખોરો માતા-પિતાને સતત ધમકીઓ આપતા હતા. જેને લઇ તેની સગીર દીકરીએ ગળે અને હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના પિતા રહિમભાઇ પઠાણે વ્યાજખોરો પાસેથી ૨૦૧૬માં રૂપિયા ૧.૩૦ લાખ વ્યાજે લીધા હતા. તેમજ અત્યાર સુધીમાં રૂપિયા ૨ લાખ ચૂકવી પણ દીધા હોવા છતાં દસ દિવસમા બાકી રહેતા વ્યાજના ૯૦૦ રૂપિયા નહીં ચૂકવે તો વ્યાજખોરો દ્વારા ફોન પર પરિવારને મારી નાખવાની ધમકીઓ મળતી હતી. ભીસ્તીવાડમાં રહેતા રહિમભાઇ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સતત ધમકીના પગલે ૧૭ વર્ષની પુત્રી ડરી ગઇ હતી. બે વર્ષ પહેલા રહિમભાઇને હાર્ટએટેક આવતા બાયપાસ સર્જરી માટે પૈસા વ્યાજે લીધા હતા. વ્યાજે પૈસા આપવામાં બે પાંચ દિવસ મોડુ થતા સતત ધમકીઓ મળતા પુત્રીએ આ પગલું ભર્યાનો પિતાએ આક્ષેપ કર્યો હતો. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. છેલ્લા છ દિવસમાં બે કારખાનેદારના મોત વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને થયા હોવાનું બહાર આવ્યું છે.