Gujarat

આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી તકલીફો અને સમસ્યાઓ ઊભી કરી છે : વાઘેલા

પાટણ, તા.૧૯
પાટણ શહેરમાં દાતાઓના દાન થકી બનેલી અને ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે આશિર્વાદરૂપ સિવિલ હોસ્પિટલની આરોગ્યલક્ષી સેવાઓ ભાજપ સરકાર દ્વારા છીનવી લઈ તેને મૃતઃપ્રાય અવસ્થામાં માત્ર શોભાના ગાંઠિયાની જેમ ચલાવવામાં આવતા તેને પુનઃ ધમધમતી કરવા પાટણ શહેર કોંગ્રેસ દ્વારા છેલ્લા અઢી વર્ષથી આંદોલન ચલાવવામાં આવે છે અને દર સોમવારે સહી ઝુંબેશ સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવે છે. છતાં સરકાર દ્વારા કોઈ જ પરિણામ નહીં મળતા આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ બચાવો અભિયાનને વધુ વેગવાન બનાવી આંદોલન જલદ બનાવવાના ભાગરૂપે યોજાયેલા આ જાહેરસભાને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ૧૦૩ સોમવારથી આંદોલન ચલાવવામાં આવે છે. છતાં ભાજપ સરકાર કોઈ જવાબ નથી આપતી ત્યારે આ અન્યાયનો જવાબ આગામી દિવસોમાં આવનાર ચૂંટણીઓમાં આપજો, હોસ્પિટલ અને શાળાઓનું સંચાલન રાજ્ય સરકારને કરવાનું હોય છે. પરંતુ ભાજપ સરકાર માણસનું પૈસાના ધોરણે મૂલ્યાંકન કરે છે. ધનવાનો માટે એસી અને કોર્પોરેટ હોસ્પિટલો બાંધવામાં આવે છે. જ્યારે ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાને પ્રાથમિક જરૂરિયાતની આરોગ્યલક્ષી સેવાઓ પણ મળતી નથી. પ્રજા જે ટેક્ષ ભરે છે તેનાથી આ હોસ્પિટલો ચલાવવામાં આવે છે છતાં સામાન્ય પ્રજા સાથે અન્યાય કરવામાં આવે છે. વધુમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતી વડાપ્રધાન બન્યા પણ ગુજરાતને શું મળ્યું ? પ્રચાર માધ્યમોનો ભોગ બની આપણે ભોટ બન્યા છીએ. આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી તકલીફો અને સમસ્યાઓ ઊભી કરી છે. જીએસટી મામલે વેપારીઓ આજે રેલી લઈ રોડ ઉપર નીકળી રહ્યા છે. આગામી દિવસોમાં આજ વેપારીઓને રોડ ઉપર આવવાનો વારો આવશે. લોકશાહીમાં તમારા જ મતોથી ચૂંટાયેલી આ સરકાર તમને ભૂલી ગઈ છે. પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણની સિવિલ હોસ્પિટલ એ દાતાઓને દાન થકી બનેલી છે અને દાન આપનારની મિલકત લેવાનો સરકારને કોઈ જ અધિકાર નથી. વડાપ્રધાન વિદેશમાં ફરે છે અને દેશની સરહદો સળગી રહી છે. પાકિસ્તાન આતંકવાદી હુમલા કરે છે. ચીને સરહદ ઉપર સૈન્ય તૈનાત કર્યું છે. એકબીજાની હત્યા કરાવી સમાજો અને જ્ઞાતિઓને અંદરો અંદર લડાવી વર્ગવિગ્રહ કરાવનાર ભાજપથી ચેતતા રહેવા લોકોને આહ્‌વાન કર્યું હતું. પ્રારંભમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગ માટે આશિર્વાદરૂપ આ સિવિલ હોસ્પિટલ પુનઃ ધમધમતી બને તેવી આશા સાથે આંદોલન શરૂ કર્યું હતું. પરંતુ અઢી વર્ષથી આંદોલન ચાલતું હોવા છતાં સરકાર ટસની મસ નહીં થતા આ આશા ઠગારી નિવડી છે ત્યારે આ પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉઠાવવા શંકરસિંહ વાઘેલાને અપીલ કરી હતી. પાટણ શહેર પાટીદાર એકતા સમિતિના કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય માલજીભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ, કાનજીભાઈ પટેલ, દિપક અમીન, મહેન્દ્ર પટેલ વગેેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ જાહેરસભામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, પાટીદાર યુવાનો, વેપારી મંડળના હોદ્દેદારો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા પાટણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.