(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લાા પલસાણા ચાર રસ્તા પાસેની જે. ડી. ઈન્ટરનેશનલ સ્કૂલ પાસેથી પસાર થતા પાંચ આરોપીઓ પાસેથી પોલીસે વગર પાસ પરમીટની ઓટોમેટિક પિસ્તોલ કાર્ટીઝ તથા સ્કોડા રેપીડ કાર મળી કુલ્લે રૂા.૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ તેઓની ધરપકડ કરી હતી.
રાજસ્થાનના ચિત્તોગઢના વતની શિવરાજ નરેન્દ્રસિંહ ચારણ, વિરેન્દ્રસિંહ કેશરસિંહ રાજપુર, કુલદિપશ્વસિંહ ભાટી, નરેન્દ્રસિંહ રાજપૂત તથા રાહુલ ભાંભી વિગેરેઓ રૂા. ૬ લાખની કિંમતની કાર લઈને પલસાણા ચાર રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે પલસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા સંજયભાઈ ગાંડાભાઈએ તેમની કારને રોકીને ઝડતી લેતા કારમાંથી વગર પાસ પરમીટની ૧૦ હજાર રૂા.ની કિંમતની ઓટોમેટિક પિસ્તોલ, રોકડા રૂા. ૧૨ હજાર, ૬ નંગ મોબાઈલ ફોન મળી કુલ ૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ હથિયાર ચિત્તોડગઢના જયદીપસિંગ રાજપૂત પાસેથી ખરીધ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ આર્મ્સ એકટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.