રૂા.૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટના જથ્થા સાથે ઝડપાયેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી સહિત ષડયંત્રકારોને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ કર્યો છે.
સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્કોડા કાર તેમજ ૨૦૦૦ના દરની ૫૦૧૩ ડુપ્લિકેટ નોટો કબજે કરવામાં આવી હતી. ડુપ્લિકેટ નોટોનું પગેરૂં ખેડા જિલ્લામાં અંબાવગામ સ્વામીનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાં કલર ઝેરોક્ષ મશીન અને લેઝર પ્રિન્ટરથી ૨૦૦૦ના દરની નોટો છાપી પ્રસાદના નામે બોક્સમાં પેક કરી પ્રવિણના બંને પુત્રો કાપડની થેલીમાં લઈને સુરત આવતા હતા. ખેડાથી તેઓ ટ્રેન અથવા તો પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હતા. ક્રાઇમ બ્રાંચના ડીસીપી રાહુલ પટેલે જણાવ્યું કે, ડુપ્લિકેટ નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડિયા અને રાધારમણ સ્વામીની ધરપકડ કરી છે. જ્યારે પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ ચોપડા ભાગી જતાં વોન્ટેડ જાહેર કર્યો છે. આજે ચારેયને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં ૧૧ મુદ્દાઓ પર ૧૦ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. અલબત્ત કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.