(એજન્સી) લખનૌ, તા.૧ર
ર૦૧૩ના રમખાણના આરોપી ૪પ વર્ષીય રામદાસ ઉર્ફે કાલાની મુઝફ્ફરનગરમાં શનિવારે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રામદાસ જામીન પર બહાર હતો ત્યારે અજ્ઞાત લોકોએ તેના ઘરમાં ઘૂસી હત્યા કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી જિલ્લા હોસ્પિટલ શબ મોકલાવ્યું. રવિવારે રામદાસનો અંતિમ સંસ્કાર કરાયો. મૃતકના ભાઈએ ચાર અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ર૦૧૩ના રમખાણમાં ૮ લોકોની સાંપ્રદાયિક ઉદ્દેશ્યથી હત્યાનો મુખ્ય આરોપી રામદાસ પર આ પહેલાં પણ કેટલાક હુમલાઓ થયા છે. જો કે પોલીસને શંકા છે કે, આ આત્મહત્યા પણ હોઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ અંગે ચોક્કસ નિવેદન આપી શકાશે. કુતબાના પોલીસ અધિકારી અશોકે જણાવ્યું કે, ગામમાં હિન્દુ અને મુસ્લિમોની મિશ્ર વસ્તી છે અને રમખાણો બાદથી અહીં કોઈ સાંપ્રદાયિક સમસ્યા નથી થઈ. રામદાસની હત્યા મુદ્દે હજુ કોઈ ધરપકડ થઈ નથી. રામદાસ ૬ ડિસેમ્બર ર૦૧૩ના રોજ રમખાણો બાદ આઠ લોકોની હત્યાના ૧૦ આરોપીઓમાંનો મુખ્ય આરોપી હતો. મુઝફ્ફરપુર રમખાણોમાં ૬રથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રામદાસ સહિત ૧૦ લોકોએ અખિલેશ યાદવ સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.