(એજન્સી) તા.૪
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ૨૭ વર્ષની એક મહિલા ડોક્ટરની ગેંગરેપ બાદ બર્બરતાથી કરાયેલી હત્યાના મામલાએ સમગ્ર દેશને ધ્રૂજાવી નાખ્યો છે. સંસદથી લઈને રસ્તા સુધી લોકો ન્યાયની માગણી કરી રહ્યા છે. આ વચ્ચે ડોક્ટરના પિતાએ નિર્ભયા કેસના દોષીઓને હજુ સુધી ફાંસી ન આપવાની વાત કરતા કહ્યું કે, આરોપીઓને જલ્દીથી જલ્દી સજા ફટકારવી જોઈએ.
ડોક્ટરના પિતાએ કહ્યું, દોષીઓને જ શક્ય તેટલી જલ્દી સજા આપવી જોઈએ. ઘણા કાયદાઓ બનાવાયા પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું. નિર્ભયા કેસને જ જોઈ લો. દોષીઓને ફાંસી પર લટકાવવા જોઈએ. જણાવી દઈએ કે ૭ વર્ષ પહેલા ૧૬ ડિસેમ્બરે ૨૦૧૨માં દિલ્હીમાં પેરામેડિકલ સ્ટુડન્ટ સાથે ચાલુ બસમાં દુષ્કર્મની ઘટનાઓ દેશને હચમચાવી નાખ્યો હતો. બધા આરોપીઓ (૧ સગીર હતો, એક આરોપીએ તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી)ને મોતની સજા ફટકારી હતી. પરંતુ હજુ સુધી આરોપીઓને ફાંસી પર લટકાવાયા નથી. તેમણે કહ્યું કે હું એ દિવસની રાહ જોઈ રહ્યો છું જે દિવસે મારી દીકરીના ગુનેગારોને ફાંસીના માંચડે લટકાવાશે. તેમણે બે મહિનામાં જ ફાંસીના માંચડે લટકાવી દેવા જોઇએ.
ઉલ્લેખનીય છે કે ૨૭-૨૮ નવેમ્બર દરમિયાન હૈદરાબાદમાં ૨૭ વર્ષની મહિલા પશુ ચિકિત્સક સાથે હેવાનિયત ભરી ઘટના બની હતી. ડોક્ટર સાંજે એક ટોલ બૂથ પાસે પોતાનું ટુ-વ્હીલર પાર્ક કરીને ડર્મિટોલોજિસ્ટ પાસે પોતાની ચામડીની સમસ્યા બતાવવા ગઈ હતી. જ્યારે રાત્રે ૯ વાગ્યે તે પાછી આવી તો ટુ-વ્હીલરમાં પંચર હતું. હકીકતમાં જ્યારે તેણે સ્કૂટી પાર્ક કરી ત્યારે ચારેય આરોપીઓ નજીકમાં દારૂ પી રહ્યા હતા અને તેમણે મદદના બહાને ડોક્ટર સાથે દુષ્કર્મ આચર્યું. આ બાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી.
મુખ્ય આરોપી ટ્રક ડ્રાઈવર છે અને બાકીના ૩ ક્લીનર છે. હત્યા કર્યા બાદ આરોપીઓએ શબને ટ્રકમાં રાખીને ટોલ બૂથથી લગભગ ૨૫ કિમી દૂર એક ઓવરબ્રિજની નીચે ફેંકી દીધો. રસ્તામાં આરોપીઓએ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ખરીદ્યું હતું, જેને ડોક્ટરના મૃતદેહ પર છાંટીને આગ લગાવી દીધી. સવારે એક દૂધ વેચનારાએ સળગેલા શબને જોઈને પોલીસને સૂચના આપી ત્યારે મામલો સામે આવ્યો. હાલમાં ચારેય આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.