(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૬
દેશમાં બનતી મોબલિન્ચીંગની ઘટનાઓના વિરોધમાં શહેરની વર્સેટાઈલ માઈનોરીટી ફોરમનામની સંસ્થાના અગ્રણીઓ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં પોલીસ અને ટોળા સામે થયેલા ઘર્ષણને પગલે પોલીસે ૩૪ જેટલા અગ્રણીઓ સામે આઇપીસીની કલમ ૩૦૭ સહિતની ઘટનાઓ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.આ ઘટનામાં પોલીસે ઝડપેલા આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરી બે દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યારે કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.
પોલીસ આ ઘટનામાં અંદાજીત પાંચ હજાર જેટલા લોકોના ટોળા સામે હત્યાની કોશિષ સહિતની ગંભીર ઈજાઓ હેઠળ ગુનો નોંધી સાત અગ્રણીઓની ઘરપકડ કરી હતી.વર્સેટાઇલ માઇનોરિટી ફોરમના પ્રમુખ અને એડવોકેટ બાબુ પઠાણે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી માંગવામાં આવેલા રિમાન્ડનો ઉગ્ર વિરોધ કરતાં, દલીલો કરતાં રજૂઆત કરી હતી કે,અમારી સંસ્થા વર્ષ ૨૦૦૩થી કાર્યરત છે.જે લોકહિતોના કાર્યો સાથે સંકળાયેલી છે. ગત રોજ અમે જે રેલી કાઢી હતી.તે પોલીસ દ્વારા અમને જ્યાં સુધીની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાં સુધીની જ કાઢી હતી.ત્યાર બાદ અમે આ રેલીને વિખરાઇ જવા માટે તેમાં હાજર લોકોને વિનંતી કરી જ હતી. તે દરમ્યાન એક પોલીસ અધિકારીની ઉશ્કેરણીને કારણે સમગ્ર ઘટના બનવા પામી હતી.ઉપરાંત પોલીસે અમને સામેથી ફોન કરીને બોલાવતાં અમે સામેથી પોલીસ સમક્ષ હાજર થયા હતા. જે પોલીસ મથકમાં આ ઘટના અંગે પોલીસ ફરિયાદ થઇ છે.તે પોલીસ મથકમાં નહિ પરંતુ અમને ઉમરા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા.જ્યાં કોઈપણ પોલીસ અધિકારીએ નહીં પરંતુ એક જમાદારે અમને જે પ્રશ્નો પૂછયા હતા. તે તમામના જવાબો આપ્યા હતા. આ ઘટનામાં પોલીસે જેમને આરોપી બનાવ્યા છે તે તમામના નામ સરનામાં સહિત છે. તેમણે પોલીસ દ્વારા ઝડપાયેલા હાલના આરોપીઓ તથા ટોળા સામે લગાવવામાં આવેલી આઇપીસીની કલમ ૩૦૭નો પણ આ તબક્કે ઉગ્ર વિરોધ કર્યો હતો.
અઠવા પોલીસે વર્સેટાઈલ માઈનોરીટી ફોરમના આગેવાનો સહિત પાંચ હજારના ટોળા સામે રાયોટીંગ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટ સહિતની ગંભીર કલમો અન્વયે ગુનો દાખલ કરી આ સંસ્થાના છ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં ઈશ્તિયાક ઈશાક પઠાણ ઉર્ફે બાબુ પઠાણ, સાહિદ મોહમંદ યુનુસ સૈદય,કોર્પોરેટર અસલમ સાયકલવાળા, શબ્બીર રહીમ ચાવાલા, મોહમંદ ઈકબાલ ગુલામ હુશેન, સાજીદ યુસુફ સહિતનો સમાવેશ થયા છે.