અમદાવાદ, તા.ર૭
કોંગ્રેસ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી હતી. જોકે, આ યાત્રામાં કૉંગ્રેસ ગાંધીજીના જ આપેલા સવિનય કાનૂન ભંગનું હથિયાર વાપરી ફરજિયાત હેલ્મેટ પહરેવાના કાયદાનો વિરોધ કર્યો હતો. રાજ્યમાં આગામી ૧૫મી ઑક્ટોબરમાંથી અમલ થનારા નવા મોટર વ્હીકલ ઍક્ટનો વિરોધ કરી કોંગ્રેસ હેલ્મેટ પહેર્યા વગર બાઇક રેલી યોજાઈ હતી.
દાંડી અને પોરબંદરથી ‘ગાંધી સંદેશ યાત્રા’નો પ્રારંભ કરી નવા મોટર વ્હીકલ એકટનો વિરોધ કરવામાં આવશે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રાને આજે ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડીથી પ્રસ્થાન કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીની ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ સવિનય કાનુન ભંગની ભૂમિ દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. ગાંધી વિચાર આધુનિક સમયની માંગ છે તે સમયે અંગ્રેજો સામે ‘અસમાનતા’, ‘શોષણ’, ‘અત્યાચાર’ સહિતના અનેક મુદ્દે. ‘જન આંદોલન’ કરી દેશને ગુલામીમાંથી મુક્ત કરી આઝાદ હિંદુસ્તાનની સ્થાપના કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી ભારત અને રાજ્યના શાસકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરી ગોડસેની વિચારધારા થોપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજનુ શાસન અંગ્રેજોના શાસનને શરમાવે તેવો અત્યાચાર કરી રહ્યા છે, જમીન સંપાદનનો કાયદો, સિંચાઈનો કાયદો, નવો મોટર વ્હીકલ એક્ટ, ભ્રષ્ટાચાર, શોષણ ગાંધી અસમાનતા, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગના નામે શોષણ. સહિતના મુદ્દે છેવાડાના માનવીના કલ્યાણ ગાંધીના વિચાર સાથે ફરીથી ગાંધીના ગુજરાતમાંથી જનતા માટે ફરી આઝાદીની એજ લડત લડવામાં આવશે. ગાંધી સંદેશ યાત્રાને પ્રસ્થાન કરાવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત સંગઠન પ્રભારી અને પૂર્વ સાંસદ રાજીવ સાતવ એ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વિચારધારાની લડાઈ ચાલી રહી છે. એક વિચારધારા મહાત્મા ગાંધીની અને બીજી વિચારધારા ગોડસેની છે. આજે ગોડસેની વિચારધારાને મજબુત કરવા માટે શાસકો કામ કરતા હોઈ તેવા સમયે વિશ્વને માર્ગદર્શન ગાંધી વિચાર એ સમયની માંગ છે. આપણે સાથે મળીને મહાત્મા ગાંધીના વિચારોને પ્રચાર પ્રસાર કરી મહાત્મા ગાંધીના સપનાનું ભારત નિર્માણ કરીએ. દાંડી થી શરૂ થયેલ ગાંધી સંદેશ યાત્રામાં મોટી સંખ્યામાં સ્કુટર ચાલકો જોડાયા હતા. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને ગાંધી વિચાર માટે કામ કરતા અનેક મહાનુભાવો જોડાયા હતા.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ‘ગાંધી સંદેશ યાત્રા’ – પોરબંદર થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર-સાયકલ યાત્રાને પોરબંદરથી ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી લીલી ઝંડી આપી જણાવ્યું હતું કે, દેશમાં અને રાજ્યમાં જે રીતે શાસકો શાસન કરી રહ્યાં છે તે અંગ્રેજોના શાસનને પણ શરમાવે તેવું છે. ત્યારે મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિથી આપણે સૌ પ્રતિજ્ઞા લઈને ખેડૂતો, યુવાનો, ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગ માટે પૂજ્ય મહાત્મા ગાંધીના સિધ્ધાંતોને લઈને સત્યની લડાઈ લડીએ, યાત્રા દરમ્યાન પ્રભાત ફેરી, ગાંધી વિચારના સંવાદ, શ્રમદાન, સફાઈ કામ, સામાજીક અસ્પૃશ્યતા નિવારણ તથા કોંગ્રેસ સંગઠનના કાર્યક્રમો યોજાશે. શાળા કોલેજોમાં ગાંધી જીવન સંદેશ પર વાર્તાલાપ યોજાશે.