નવી દિલ્હી, તા.ર૩
દ.આફ્રિકાના સ્ફોટક બેટ્‌સમેન એબી ડિવિલીયર્સે અચાનક ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરતા ક્રિકેટપ્રેમીઓ સ્તબ્ધ થઈ ગયા છે. બુધવારે ડિવિલીયર્સે પોતાના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરતા કહ્યું કે આજે મે એક મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ. ક્રિકેટપ્રેમીઓ માટે આ સમાચાર હેરાન કરનારા છે. ૩૪ વર્ષીય ડિવિલીયર્સ વિશ્વના ટોપ ક્લાસ ફીટ ખેલાડીઓમાં સામેલ છે. પોતાની ૧૪ વર્ષની ઈન્ટરનેશનલ કારકિર્દીમાં ડિવિલીયર્સે ૧૧૪ ટેસ્ટ મેચમાં રર સદી સહિત પ૦.૬૬ની એવરેજથી ૮૭૬પ રન બનાવ્યા જ્યારે રર૦ વન-ડેમાં તેણે પ૩.પની સરેરાશથી ૯પ૭૭ રન બનાવ્યા. ૭૮ ટ્‌વેન્ટી-ર૦ મેચમાં આ ખેલાડીએ ૧૦ અર્ધસદી સહિત ૧૬૭ર રન પોતાના નામે કર્યા છે.
ર૦૧૯ના વિશ્વકપ પહેલા ડિવિલીયર્સે અચાનક સંન્યાસ લેતા દ.આફ્રિકાના વર્લ્ડકપ મિશનને એક ફટકો પડ્યો છે. તે આગામી વર્ષ ઈંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડકપ માટે આફ્રિકન ટીમના માસ્ટર પ્લાનનો હિસ્સો લાગી રહ્યો હતો. પોતાના વીડિયોમાં ડિવિલીયર્સે કહ્યું કે મારી ઈનિંગ પુરી થઈ અને પ્રમાણિકતાથી કહુ તો હું થાકી ગયો છું. આ મુશ્કેલ નિર્ણય હતો મે આ અંગે લાંબા સમય સુધી વિચાર કર્યો અને હાલ હું શાનદાર ક્રિકેટ રમી રહ્યો છુ તેમ છતાં સંન્યાસ લેવા માંગુ છું.