બેંગ્લુરુ,તા.૮
ક્રિકેટની દુનિયામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને એ સમાચાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના ચાહકોને નિરાશ કરી શકે છે. ગત આઇપીએલ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેનારા અને પછી આઇપીએલ માટે ઉપલબ્ધ રહેવાની જાહેરાત કરનારો એ. બી. ડિવિલિયર્સ આઇપીએલની આગામી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો કેપ્ટન બને તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આરસીબી ટીમ મેનેજમેન્ટે ગેરી કર્સ્ટનને ડેનિયલ વિટોરીના સાથે નવો કોચ બનાવી દીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હવે એવા સમાચારો મળી રહ્યા છે કે આરસીબી મેનેજમેન્ટે વિરાટ કોહલીના સ્થાને ડિવિલિયર્સને કેપ્ટન બનાવી દેવાનો નિર્ણય કરી લીધો છે.સૂત્રો અનુસાર ગત સિઝનમાં વધુ એક ખરાબ પ્રદર્શન બાદ આરસીબીએ કોહલીને કેપ્ટનપદેથી હટાવીને ડિવિલિયર્સને ટીમની કમાન સોંપવાનો નિર્ણય કર્યો હતો. ડિવિલિયર્સ આઇપીએલની આખી સિઝન માટે ઉપલબ્ધ રહેવાનો છે, કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
વાસ્તવમાં કોહલી માટે આ એક ‘વિરાટ’ ઝટકા સમાન છે. આની પાછળનું કારણ એક જ છે કે આરસીબી મેનેજમેન્ટ ટીમને એક નવી નજરથી જોવા માગે છે.