(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૩૧
મુસલમાનોના પહેલા કીબલા મસ્જિદે અક્સા અને પેલેસ્ટાઈન ઉપર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કબ્જા અને ત્યાં અવારનવાર ઈઝરાયેલ દ્વારા આચરાતા અત્યાચાર અને બેહરિનના નાગરિકો અને શેખ ઈશા કાસીમ પર થતા ઝુલ્મ અને નાઈજિરિયામાં શેખ ઈબ્રાહિમ ઝકઝકીને સરકાર દ્વારા ગેરકાયદેસર રીતે કેદ કરવાના બનાવ સહિત દુનિયાભરમાં થતા અન્યાય અને આંતકવાદનો વિરોધ કરવા કોડીનાર શિયા ઈસના અસરી જમાત દ્વારા આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે જુમ્માની નમાઝ પછી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિયા સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં પેલેસ્ટાઈન અને મસ્જિદે અક્સાને ઈઝરાયેલ યહુદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવામાં માંગણી કરવામાં આવી હતી. આ તકે શિયા ઈસના અસરી જમાતના પ્રમુખ અબાજાન નકવીએ ક્રૂર ઈઝરાયેલ દ્વારા માસૂમ પેલેસ્ટાઈનીઓ ઉપર આચરવામાં આવતા અત્યાચારનો સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી ઈઝરાયેલના અત્યાચારો બંધ કરાવવા અને મુસ્લિમોના પવિત્ર સ્થળ મસ્જિદે અક્સાને યહુદીઓના કબ્જામાંથી મુક્ત કરાવવા માટે ભારત સરકાર કડક પગલાં ભરી ઈઝરાયેલને પાઠ ભણાવે તેવી માંગણી સમગ્ર મુસ્લિમ સમાજ વતી અબાજાન નકવીએ કરી હતી. આંતરરાષ્ટ્રીય કુદસ દિવસ નિમિત્તે યોજાયેલી આ મોન રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.