(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૭
મહારાષ્ટ્રના નિયુક્ત કરાયેલા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાજભવનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. શિવસેનાના પ્રમુખ ગુરૂવારે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. એક અધિકારીએ જણાવ્યું કે રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચેલા ઉદ્ધવ ઠાકરે સાથે તેમનાં પત્ની રશ્મિ પણ હતાં. મુખ્યમંત્રી બનનારા ઉદ્ધવ ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેના તરફથી આઠ અને કોંગ્રેસ-એનસીપી તરફથી ૯-૯ મંત્રી બનાવી શકાય છે. સૂત્રોએ એવું પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની કેબિનેટમાં ઘણા મુસ્લિમ ચહેરા હોઇ શકે છે. સૌથી મોટા સમાચાર શિવસેનાના એકમાત્ર મુસ્લિમ ધારાસભ્ય અબ્દુલ સત્તારને પ્રધાન બનાવી શકાય છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મંગળવારે ઠાકરેને મુખ્યપ્રધાનપદ માટે પોતાની પસંદગી બતાવી હતી. મહારાષ્ટ્રની ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ત્રણે પક્ષોએ ૧૬૬ ધારાસભ્યોનો દાવો કર્યો છે.