(એજન્સી) કોચિ, તા. ૨૪
દક્ષિણ હિંદ મહાસાગરમાં ફસાયેલા ભારતીય નેવીના કમાન્ડર અભિલાષ ટોમીને બચાવવા માટેના આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા પ્રયાસો આખરે સફળ નિવડ્યા છે. કમાન્ડર અભિલાષ ટોમી વર્લ્ડ ગોલ્ડન ગ્લોબ રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા જેને દુનિયાની સૌથી કઠિન રેસ માનવામાં આવે છે. ફ્રાન્સના જહાજ ઓરિસિસ દ્વારા તેમને બચાવાયા હતા. જે સમયે આ દુર્ઘટના બની ત્યારે પવનની ઝડપ ૧૩૦ કિલોમીટર પ્રતિકલાક હતી અને દરિયાની અંદર ૧૪ મીટર સુધી ઊંચી લહેરો ઉઠી રહી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે, જ્યારે વિમાન નૌકા પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે કમાન્ડર ટોમીએ ઇમરજન્સી પોઝીશન ઇન્ડીકેટિંગ રેડિયો બીકેનથી સંકેત આપ્યા હતા. દરિયાઇ દુર્ઘટનામાં બચાવ માટે આ સંકેત આપવામાં આવે છે.
ગોલ્ડન ગ્લોબ રેસ ૨૦૧૮માં સામેલ થવા માટે એકમાત્ર ભારતીય અભિલાષ ટોમી દરિયાઇ તોફાનમાં ફસાઇ ગયા છે. ૩૦ હજાર નોટિકલ માઇલ લાંબી આ રેસમાં નેવી કમાન્ડર અભિલાષ ત્રીજી પોઝીશન પર ચાલી રહ્યા હતા ત્યારે જ તેમની હોડી તોફાન સાથે ટકરાઇ હતી. આ દરમિયાન તેમની પીઠમાં ઇજાઓ થઇ હતી. ઓસ્ટ્રેલિયા અને ભારતની દરિયાઇ સેનાઓ તેમને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. તેમનો સંપર્ક સતત ઓસ્ટ્રેલિયામાં બનેલા સંપર્ક સમન્વય કેન્દ્રએ પ્રયાસ કર્યા હતા. તેમણે પોતાના માટે એક સ્ટ્રેચરની માગ કરી હતી કારણ કે, ઇજાને કારણે તે ચાલી શકતા ન હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ હિંદ મહાસાગરમાં રેસ દરમિયાન ટોમીની હોડી ભયાનક તોફાન સાથે ટકરાઇ હતી. ભારતીય નેવીએ જણાવ્યું હતું કે, તેમના બચાવ માટે ઓસ્ટ્રેલિયન નેવી અભિયાન ચલાવી રહી છે. ગોલ્ડન ગ્લોબ નૌકાયાન રેસ છે. આમાં દુનિયાભરના નાવિકો ભાગ લે છે. આ વર્ષે આ રેસ પહેલી જુલાઇના રોજ ફ્રાન્સથી શરૂ થઇ હતી. અભિલાષ ૨૦૧૩માં ૩૦ હજાર માઇલની આ રેસને પુરી કરનારા પ્રથમ ભારતીય બન્યા હતા. દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, કમાન્ડર ટોમી સુધી આગામી ૧૬ કલાકમાં ફ્રાન્સનું જહાજ પહોંચી જશે અને તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ટોમીને ઓસ્ટ્રેલિયન નેવીના જહાજ એચએમએસ બલાર્ત પર લવાશે. આ જહાજ પર્થથી તેમને બચાવવા માટે ગયું હતું.