(એજન્સી) અટારી/વાઘા, તા. ૧
છેલ્લા બે દિવસથી પાકિસ્તાનના કબજામાં રહેલા એરફોર્સના પાયલટ ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનમાંથી આજે મોડી સાંજે ભારતને સોંપવામાં આવ્યો હતો આ દરમિયાન વાઘા-અટારી બોર્ડર પર હજારોની સંખ્યામાં લોકો અભિનંદનના સ્વાગતમાં એકઠા થયા હતા. અભિનંદનની ઘરવાપસી માટે સરહદ પર જાણે લોકોની સેના એકીટસે તેમને વધાવવા માટે ખડેપગે રહી જ્યારે તેમની બપોરથી રાહ જોવાઇ રહી હતી. જોકે, તમામ પ્રક્રિયાઓ પુરી કરવામાં અભિનંદનને લાવવામાં વિલંબ થયો હતો. તેમને પહેલા પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ લઇ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ભારતની સરહદે આવેલા લાહોર શહેરમાં લવાયા હતા. ભારતને સોંપ્યા પહેલા પાકિસ્તાન તરફથી અભિનંદનનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. વાઘા બોર્ડરથી ૧૦ કિલોમીટર દૂર આવેલા બાટાપુરના સેનાના મેડીકલ કેમ્પમાં તેમનું મેડીકલ ચેકઅપ કરાયું હતું.
આ પહેલા વાઘા-અટારી બોર્ડર પર હજારોની સંખ્યામાં અભિનંદનને વધાવવા માટે લોકો પહોંચી ગયા હતા અને કલાકો સુધી રાહ જોઇ હતી તથા એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી. અભિનંદનને ભારતને સોંપાયા બાદ સરહદ પર ઇન્ડિયન એરફોર્સે રાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં એક વાઇસ માર્શલ આરજીકે કપૂરે મીડિયાને જાણકારી આપી હતી. પત્રકાર પરિષદમાં વિંગ કમાન્ડર અભિનંદન પણ હાજર રહ્યા હતા. એવા પણ અહેવાલોઆવ્યા હતા કે, અભિનંદનને વાઘા બોર્ડર પરથી અમૃતસર લઇ જવામાં આવ્યા હતા. વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે બોર્ડર પર ઇન્ડિયન એરફોર્સની ટીમ સાથે તેમનો પરિવારપણ હાજર રહ્યો હતો. તેમના પરિવારે તેમને ભીની આંખે વધાવ્યા હતા. આ પહેલા બપોર સુધી ભારતને સોંપવાની વાત થયા બાદ રાતે મોડા અભિનંદનને સોંપવા મુદ્દે પણ પાકિસ્તાન પર જાણીજોઇને વિલંબ કરવાના આરોપ લાગી રહ્યા હતા. દરમિયાન કેન્દ્રીય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, વિંગ કમાન્ડર અભિનંદનન પરત કરીને પાકિસ્તાન કોઇ ઉપકારનથી કરી રહ્યું. જીનિવા કન્વેન્શન અંતર્ગત તંગદિલી દરમિયાન જો કોઇ સૈનિકને પકડવામાં આવે તો તેને પરત તેના દેશને સોંપવામાં આવે છે. આપણે એ ભૂલવું ન જોઇએ કે, ૧૯૭૧ બાદથી ભારતે પાકિસ્તાનના ૯૦,૦૦૦ યુદ્ધ કેદીઓને છોડી મુક્યા છે.