(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખલનાયક તરીકે ચિતરવું જોઇએ નહીં, એવી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશની ટિપ્પણીઓનું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અભિષેક મનુસિંઘવી અને અને શશી થરૂરે શુક્રવારે સમર્થન કર્યું છે. સિંઘવીએ એવું ટિ્‌વટ કર્યું કે ‘મેં હંમેશ કહ્યું છે કે મોદીને ખલનાયક તરીકે ચિતરવાનું ખોટું છે. માત્ર એટલા માટે નહીં કે તેઓ દેશના વડાપ્રધાન છે પરંતુ એમ કરીને વિપક્ષ એક રીતે તેમની મદદ કરે છે.’ તેમણે એવું પણ કહ્યું કે કાર્યો હંમેશા સારા-ખરાબ અને જુદા જુદા હોય છે જેથી તેમના વિશે મુદ્દાઓ મુજબ તારણ કાઢવું જોઈએ અને વ્યક્તિગત રીતે નહીં. ઉદાહરણ રીતે ઉજ્જવલા યોજના એ અન્ય કાર્યોની જેમ એક સારી યોજના છે.’ કોંગ્રેસના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસાથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું ચિદમ્બરમ સામે પગલાં લેવામાં આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓમાં ભય ફેલાઇ ગયો છે ?ે અંગ્રેજો સામે ના ડરનારી કોંગ્રેસ શું ભાજપ સરકારથી ડરી ગઇ છે ?ે
જ્યારે કોંગ્રેસના અન્ય એક નેતાશશી થરૂરે એવો દાવો કર્યો છે કે છ વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે જ્યારે પણ પીએમ મોદી સારૂં કામ કરે કે કહે ત્યારે તેમની પ્રશંસા થવી જોઇએ. તેનાથી જ્યારે પીએમ મોદી કોઇ ભૂલ કરશે તો વિપક્ષની ટીકાને વિશ્વસનીયતા મળશે. કોંગ્રેસના તિરૂવનંતપુરમના સાંસદને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે જે વાત મેં પહેલા કહી હતી, એ વિચારને વિપક્ષના અન્ય નેતા પણ માનવા લાગ્યા છે, આ બાબતનું હું સ્વાગત કરૂં છું. શશી થરૂરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ જય રામ રમેશ અને અભિષેક મનુ સિંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખલનાયક તરીકે ચિતરવાનું ખોટું ગણાવ્યું છે.
જયરામ રમેશે કહ્યું કે નરેન્દ્ર મોદી એ ભાષામાં વાત કરે છે, જે ભાષા લોકો સરળતાથી સમજે છે. તેમના કામનો સ્વીકાર કર્યા વગર તમે તેમનો મુકાબલો કરી શકશો નહીં. માત્ર તેમની બુરાઇ કરવાથી કોઇ ફાયદો થવાનો નથી. એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જરયામ રમેશે જણાવ્યું હતું કે મોદીનું ગર્વનન્સ મોડેલ સંપૂર્ણ નકારાત્મક નથી. દર વખતે તેમના કાર્યોને ધ્યાનમાં નહીં લઈને તેમને ખલનાયક ચિતરવાથી કોઈ ફાયદો નહીં થાય. આમ કોંગ્રેસના નેતાઓમાં કાશ્મીરમાંથી ૩૭૦ નાબૂદી બાદ હવે મોદીના વિરોધને લઈને પણ મતમતાંતર જોવા મળી શકે છે.