અમદાવાદ,તા.રર
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની જાહેરાત થઈ ત્યારથી એક જ સવાલ ઉઠયો છે કે ટ્રમ્પને આમંત્રણ કોણે આપ્યું ? કેમ કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજકો કોણ તે અંગે કોઈ સ્પષ્ટતા જ કરાઈ ન હતી. ત્યારે વિવાદ ઉઠયા બાદ રાતોરાત ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના કરી દેવાઈ છે. તેનેે લઈને સવાલો ઉઠયા છે કેમ કે આ સમિતિ દ્વારા કાર્યક્રમ માટે કરોડોનો ખર્ચ કોણ કરશે ? અમદાવાદના મેયર અભિવાદન સમિતિના ચેરમેન બન્યા બાદ આ અંગે કોઈ ફોડ જ પાડી રહ્યા નથી. ત્યારે આજે અભિવાદન સમિતિના સભ્યોની પ્રથમ બેઠક મળી હતી. જે માત્ર ૧૦ જ મિનિટમાં આટોપી લેવાઈ હતી. ત્યારબાદ સમિતિના સભ્યોએ મોટેરા સ્ટેડિયમની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદી ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત પહેલા જ ૨૧ ફેબ્રુઆરીએ એક નવો જ ટિ્‌વસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ અચાનક જ ૨૧ ફેબ્રુઆરીની સાંજે ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના થઈ હતી. ટ્રમ્પના સાડા ત્રણ કલાકના કાર્યક્રમ માટે આજે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની પ્રથમ બેઠક માત્ર ૧૦ મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી. બેઠક બાદ મેયર સહિતના તમામ સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું અને ચૂપચાપ રવાના થયા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યો એવા અમદાવાદના બે સાંસદ ડૉ.કિરીટ સોલંકી અને હસમુખ પટેલ,ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,પદ્મભૂષણ બી.વી.દોશી,ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ સામેલ થયા હતા. આ બેઠક બાદ સમિતિના સભ્યો મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.
જોકે આ સમિતિમાં અન્ય બે સભ્ય તરીકે પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને ય્‌ેં કુલપતિ ડૉ.નવીન શેઠ પણ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રથમ બેઠકમાં બન્ને સભ્યો ગેરહાજર રહ્યા હતા.
આ પહેલા ૨૧ ફેબ્રુઆરીએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો હતો કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ’ નામની કોઈ સંસ્થા યોજી રહી છે. ત્યાર બાદ અચાનક જ આ સમિતિની રચના કરી મેયર બિજલ પટેલને ચેરપર્સન બનાવ્યા હતા. જેમાં બે સાંસદ એવા ડૉ.કિરીટ સોલંકી અને હસમુખ પટેલને પણ સમિતિના સભ્ય બનાવ્યા હતા. આમ પહેલા ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યાર બાદ આયોજન થયું અને અંતે બે દિવસ પહેલા યજમાન નક્કી થયા છે.
બીજી બાજુ કમિટીના અન્ય સભ્યો સાથે જ્યારે વાત કરી તો આ અંગે કોઇ નક્કર માહિતી મળી નહીં. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેમાં સરકારની કોઇ ભૂમિકા નથી. જોકે આ પણ નોંધવાની વાતે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પના આગમનની જાહેરાત કરી ચૂક્યા હતા.
આ સમારોહ પાછળ અંદાજે ૧૦૦ કરોડનો ખર્ચ થશે. સરકાર સીધું ડોનેશન ન લઈ શકે એટલે આ સમિતિએ કરેલા ખર્ચનું કોઇ ઓડિટની જરૂર રહેશે નહીં, કારણ કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ આ સમિતિનું અસ્તિત્વ નષ્ટ કરી દેવાશે. ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ કેમ઼ ટ્રમ્પનો કાર્યક્રમ એ કોઇ સરકારી કાર્યક્રમ કે અમેરિકન સરકાર તરફથી ઘોષિત સત્તાવાર મુલાકાત નથી. તેથી ગુજરાત કે ભારત સરકાર તે આયોજનના યજમાન તરીકે જવાબદારી ઉપાડી શકે નહીં.