(એજન્સી) તા.૧૪
ચીનની અવળચંડાઈના કારણે મસૂદ અઝહર ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી જાહેર થતા બચી ગયો. ચીને ચોથી વખત સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના વડાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ વિરૂદ્ધ વીટોનો ઉપયોગ કરતા આ પ્રસ્તાવ રદ થઈ ગયું. ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડી ચીનના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી અને પ્રસ્તાવનું સમર્થન કરનારા દેશોનો આભાર વ્યક્ત કર્યો હતો. એક ખતરનાક આતંકવાદીનું સમર્થન કરવાના ચીનના આ કૃત્યને કારણે સોશ્યલ મીડિયામાં ચીન વિરૂદ્ધ આક્રોશ ફાટી નીકળ્યા હતા. ચીન દ્વારા વીટોના ઉપયોગ પછી ગુરૂવારે સવારથી જ #Boycottchina અને #Boycottchineseproducts ટ્‌વીટર પર ટોપ ટ્રેન્ડમાં છે. પતંજલિના સ્થાપક અને યોગગુરૂ બાબા રામદેવે પણ આ અભિયાનનું સમર્થન કરતાં ટ્‌વીટ કરી આ અભિયાનનું સમર્થન કર્યું હતું. તેમણે ટ્‌વીટમાં લખ્યું હતું કે મસૂદ અઝહરના સમર્થક ચીન સહિત જે પણ દેશ અને દેશની અંદર રહેલા લોકો છે. આપણે તેમનો રાજકીય, સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવો જોઈએ. ચીન તો ફકત વ્યાપારની ભાષા જ સમજે છે. આર્થિક બહિષ્કાર યુદ્ધ કરતાં પણ વધારે શક્તિશાળી છે. આ ટ્‌વીટની સાથે બાબા રામદેવે ગ્રાફિક્સ વડે બનાવેલા કેટલાક ફોટા પણ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર ચીનના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહેલા લોકોનું કહેવું હતું કે ચીનના ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવાથી ભારતના નાણા પાકિસ્તાનની મદદ કરનારા ચીન પાસે નહીં જાય. યુઝર્સે કહ્યું હતું કે ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચનારા આતંકવાદીઓનું સમર્થન કરનારા ચીન જોડે આવો વ્યવહાર થવો જોઈએ. મેઘાલયના રાજ્યપાલ તથાગત રોય પણ આ અભિયાનમાં જોડાયા હતા અને ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની અપીલ કરતું ટ્‌વીટ કર્યું હતું.