– ડો.ભાર્ગવ ડી. મહેતા (આયુર્વેદાચાર્ય)
મેલેરિયા ઈટાલિયન શબ્દ છે. તેનો અર્થ છે ખરાબ હવા, ખરાબ હવા બગડવાથી મેલેરિયા થાય છે. મેલેરિયાનો ફેલાવો એનોફિલિસ જાતિના મચ્છરો દ્વારા થાય છે. આ મચ્છરો ગંદા પાણી, કિચડ, બંધિયાર પાણીમાં ઉછરે છે.
આયુર્વેદના મહર્ષિએ મચ્છરો દ્વારા તાવ ઉત્પન્ન થાય છે એવુ વિધાન કર્યું છે. મિથ્યા આહાર-વિહારથી પણ તાવ આવે છે. આયુર્વેદમાં મેલેરિયાને ‘’વિષમજવર’’ કહેવામાં આવે છે. તેના મુખ્ય પાંચ પ્રકારો છે. મેલેરિયા ત્રિદોષજ (વાત-પિત-કફ) વ્યાધિ છે.
મેલેરિયાગ્રસ્ત રોગીને કરડતો મચ્છર જ તંદુરસ્ત માનવીને કરડીને (તેના લોહીમાં મેલેરિયા પેરેસાઈટસ પ્રવેશે છે) મેલેરિયાનો ભોગ બનાવે છે. આ રીતે આરોગ શહેર કે ગામમાં ચેપી રોગની જેમ ફેલાય જાય છે. મચ્છર કરડે પછી લોહીમાં મેલેરિયાના જંતુઓ દાખલ થયા પછી ૧૦થી ૧પ દિવસે તાવ આવે છે. સામાન્ય લોકભાષામાં ટાઢિયો તાવ કહેવામાં આવે છે. મેલેરિયાના નિદાન માટે લોહી (બ્લડ ટેસ્ટ)માં મેલેરિયાના જંતુઓ (પેરેસાઈટસ) દેખાવા જરૂરી છે.
મેલેરિયાના સામાન્ય લક્ષણોમાં ખૂબ ભયંકર ટાઢ સાથે તાવની શરૂઆત થાય છે. સખ્ત માથાનો દુઃખાવો થાય છે. ઉબકા, ઉલટી થાય છે, શરીરમાં ભારે કળતર થાય છે, આખા શરીરમાં દાહ, શરીર તપી જવંુ વગેરે થાય છે. છેવટે ખૂબ પરસેવો આવીને તાવ ઉતરે છે.
આયુર્વેદના મહર્ષિ સુશ્રુતે કહ્યું છે કે, વિષમજવર (મેલેરિયા)નો દર્દી આ તાવથી કયારેય સંપૂર્ણ મુક્ત થતો નથી. એકવાર આ તાવ આવી ગયા પછી પણ પુનઃ પોતાના નક્કી થયેલા દિવસે આવે છે. તેમાં તેનો સ્વભાવ જ કારણ છે.
મેલેરિયા ન થાય તે માટે શું કરશો ?
૧) ઘરની આસપાસ ગંદકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવુુુું.
ર) પાણી ભરાઈ રહેવાના સ્થળો (ખાડાં-કુંડી વગેરે) તદ્દન સાફ રાખવા.
૩) જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
૪) ઘરના ફળિયામાં કે આંગણામાં તુલસીના છોડ રોપાવવા જોઈએ, મેલેરિયાગ્રસ્ત વિસ્તારમાં તુલસીના છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે કે ત્યાંથી અદૃશ્ય થાય છે અને મેલેરિયાનો ફેેલાવો ઓછો થાય છે. તુલસીના છોડમાંથી સતત પ્રાણવાયુ નીકળે છે.
મેલેરિયાના દર્દીએ ધ્યાનમાં રાખવાના સૂચનો નીચે પ્રમાણે છે.
દ્બઆયુર્વેદમાં તાવના રોગીને ઉપવાસ (લંઘન) કરવાનો આદેશ છે. મેલેરિયા તાવ આવે ત્યારે પ્રથમ દિવસે ઉપવાસ કરવો, પછી હલકો ખોરાક લેવો.
ગાયના દૂધનો ખોરાક વધુ પ્રમાણમાં લેવો એ હિતકારી છે.
સાધારણ શેકેલા જીરાનું ચૂર્ણ એકવાર એક ચમચી જેટલા ગોળ સાથે મેળવીને દરરોજ ખાવુું.
મહર્ષિ સુશ્રુતે પ્રાતઃકાળે ઘી સાથે લસણ (પોતાની પ્રકૃતિને માફક આવે તે પ્રમાણે) ખાવાનું વિધાન કરેલ છે.
આચાર્ય ચરકે બપોરે રાત્રે જમતા પહેલાં તલના તેલ સાથે લસણ, સિંધવ મેળવીને ખાવાનંુ કહેલ છે.
દરરોજ લાંબા સમય સુધી હરિતકી ચૂર્ણ ર ગ્રામ જેટલુુુુું સવારે એકવાર મધ સાથે ચાંટવાનું.
વર્ધમાન પીપલીનો પ્રયોગ સ્થાનિક અનુભવી વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે કરવો.
કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
ઉજાગરો કરવો નહિ.
તુલસીના પાંદડા ૧૦થી ૧પ અને કાળા મરી નંગ ચારથી છ સાથે દરરોજ એકવાર ચાવી જવા.
રાતના સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ આવશ્યક છે અને વજ્ર-સરસવ-ગૂગળ, લીમડાના તાજા પાન વગેરેનો ધૂપ નિયમિત ઘરમાં કરવો.
આહાર-સુપાચ્ય હલકો અને પૌષ્ટિક લેવો. વિહાર-રોગીએ સંપૂર્ણ વિશ્રામ કરવો અત્યંત ઠંડી કે ઠંડા વાતાવરણથી દૂર રહેવું.
ચિકિત્સા
આયુર્વેદના ભાવપ્રકાશ નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામના સ્ત્રોતનો પાઠ કરવાથી, ભગવાન શંકર-પાર્વતીનું પૂજન-રટણ કરવાથી મેલેરિયા અને બીજા બધા તાવમાંથી શીઘ્ર મુક્ત થવાય છે, આ મંત્ર-પૂજન નિયમિત-સતત અનેે શ્રદ્ધાપૂર્વકનું હોવું જરૂરી છે. સાથે સાથે નિયમિત દવા લેવી જોઈએ અને પરેજીનું પાલન કરવું જોઈએ.
મેલેરિયામાં ઉપયોગી ઔષધો :
અમૃતારિષ્ટ, ત્રિભૂવન કીર્તિ રસ, ગળો સત્વ, ગોદંતી ભસ્મ, પંચ નીંબ ચૂર્ણ તથા સુદર્શન ચૂર્ણ, અભયાદિ કવાથ, પંચતિકત ધનવટી, ઈન્દ્રિયાદી વટી વગેરે ઔષધો સ્થાનિક યોગ્ય વૈદ્યની સલાહ પ્રમાણે લઈ શકાય.
મેલેરિયાના સખ્ત તાવમાં દશાંગલેપ (ભૂકો) એકથી બે તોલા લઈને દસ તોલા પાણીમાં મેળવી તેમાં કપડું બોળી કપાળ પર પોતું મૂકવાથી માથાનો દુઃખાવો અને તાવનો વેગ ઓછો થઈ જાય છે.
ચિકનગુનિયા
આ રોગને આયુર્વેદમાં ‘’સંધિગતજવર’’ કહેવામાં આવે છે. તાવ સાથે સાંધાનો તીવ્ર દુઃખાવો જોવા મળવાની સાથે અમુક અન્ય લક્ષણો પણ જોવા મળે છે. અમુક સમય પછી ધીરે ધીરે આ રોગની તીવ્રતા ઓછી થાય છે પરંતુ અમુક દર્દીને વર્ષ સુધી સાંધાના દુઃખાવાની અસર રહે છે. આ રોગમાં આરામ કરવો તથા પ્રવાહી ખોરાક વધારે લેવો.
ઔષધો
પંચતિકતકષાય, મહાસુદર્શન ચૂર્ણ, ગળો સત્વ, યોગરાજ ગૂગળ, અશ્વગંધા ચૂર્ણ, પીપલીમૂલ ચૂર્ણ, ત્રિભૂવનકિર્તી રસ વગેરે આયુર્વેદિક ઔષધો ચિકિત્સકની સલાહ અનુસાર લઈ શકાય.
ડેન્ગ્યુ
ડેન્ગ્યુને આયુર્વેદમાં દંડકજવર (તાવ) સાથે સરખાવી શકાય. આ રોગ ગમે તે ઉંમરવાળાને થઈ શકે છે. અચાનક ઠંડી સાથે હાઈ ફિવર જોવા મળે છે. તીવ્ર માથાનો દુઃખાવો, ઉબકા-ઉલટી થવી, ભૂખ ન લાગવી, સાંધામાં દુઃખાવા સાથે સોજો આવી જવો, આંખોમાં દુઃખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે.
સારવાર :-
ડેન્ગ્યુનું નિદાન થયા બાદ તરત જ સારવાર લેવી હિતકારક છે.
ઔષધો :-
સૂંઠી ચૂર્ણ, સુદર્શન ઘનવટી, અરડૂસી, ગુડુચ્યાદિ કવાથ, અમૃતારિષ્ટ વગેરે આયુર્વેદિક ઔષધો વૈદ્યના માર્ગદર્શન હેઠળ લઈ શકાય. ડેન્ગ્યુંના રોગમાં પપૈયાના પાનના રસનો ઉપયોગ પણ કરી શકાય તેનાથી પ્લેટલેટસ અને થ્રોમ્બોસાયટસ નામના સેલની સંખ્યામાં વધારો થાય છે તેવું રિસર્ચ પરથી સામે આવેલ છે. ટૂંકમાં ઉપરોકત ત્રણેય રોગમાં સાફ-સફાઈ, સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવુું.
Recent Comments