(એજન્સી) નવી દિલ્હી, તા.૩
કાશ્મીરમાં મંગળવારે ભારતીય સેના સાથે અથડામણમાં ઠાર કરાયેલા પાકિસ્તાની આતંકવાદી અબુ દુજાનાએ ઠાર થતાં પહેલા આત્મસમર્પણ કરવાનો ઇન્કાર કર્યો હતો. સેનાના એક અધિકારી સાથે દુજાનાએ ટેલિફોનિક વાત કરતા કબૂલાત કરી હતી કે, તેના માતા-પિતા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહે છે જેઓ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આવેલું છે. ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર સૈન્ય અધિકારીએ એક કાશ્મીરીના માધ્યમથી દુજાના સાથે વાતચીત કરી આત્મસમર્પણ માટે પ્રેરિત કર્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે, દુજાનાએ પહેલા કાશ્મીરી સાથે વાત કરી બાદમાં અધિકારી સાથે પણ વાત કરી હતી.
દુજાનાએ સૈન્ય અધિકારીને કહ્યું હતું કે, ‘‘શું ચાલી રહ્યું છે, મેં કહ્યું શું ચાલે છે, અધિકારીએ જવાબ આપ્યો અમારૂં છોડ તું સરેન્ડર કેમ નથી કરતો, તે આ મહિલા સાથે લગ્ન કર્યા છે, તંુ જે કરી રહ્યો છે તે યોગ્ય નથી.’’ રિપોર્ટ અનુસાર સેનાના અધિકારીએ દુજાનાને સમજાવ્યો હતો કે, પાકિસ્તાની એજન્સીઓ યુવાનોનો ઉપયોગ કરીને કાશ્મીરને લોહીલુહાણ કરી રહી છે પરંતુ દુજાનાએ તેની વાત માની નહોતી અને આત્મસમર્પણ કરવા ઇન્કાર કરી દીધો હતો. દુજાનાએ ભારતીય અધિકારીને જણાવ્યંુ હતું કે, અમે તો શહીદ થવા જ આવ્યા છીએ, હું શું કરૂં, જેને ગેમ રમવી હોય તે રમે. ક્યારેક અમે આગળ તો ક્યારેક તમે આગળ, આજે મને પકડી લીધો તો તમને મુબારક, જેને કરવું હોય તે કરી લે. તેણે કહ્યું કે, આત્મસમર્પણ નહીં કરૂં, મારી કિસ્મતમાં જે લખ્યું હશે તે થશે, અલ્લાહ એજ કરશે ઠીક છે ? સૈન્ય અધિકારીએ તેના માતા-પિતાની પણ યાદ અપાવી હતી તેમ છતાં તે માન્યો નહોતો. તેણે કહ્યું કે, માતા-પિતા તો તે જ દિવસે મરી ગયા હતા જે દિવસે હું તેમને છોડીને આવ્યો હતો. બાદમાં તેણે ચાલુ વાતચીતમાં જ ફોન કાપી નાખ્યો હતો.
અબુ દુજાનાની સેનાના અધિકારી સાથેની ટેલિફોનિક વાતચીત લીક : ‘પકડી લો તો મુબારક પણ આત્મસમર્પણ નહીં કરું’

Recent Comments