ઢાકા,તા.૧૯
ઇન્દોર ટેસ્ટમાં મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ પછી બાંગ્લાદેશી ફાસ્ટ બોલર અબુ જાયેદ તેનાથી ઘણો પ્રભાવિત થયો હતો. જાયેદનું કહેવું છે કે તે શમીની જેમ બોલિંગ કરવા માગે છે અને માને છે કે આવું કરી શકે તેમ છે. ભારતીય ફાસ્ટ બોલર્સે બીજી ટેસ્ટમાં ૨૦માંથી ૧૪ વિકેટ ઝડપી હતી. જાયેદે આ મેચમાં ૧૦૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
આઈસીસી સાથે થયેલી વાતચીતમાં જાયેદે કહ્યું કે, મેં શમી ભાઈ સાથે વાત કરી હતી. અમારી વચ્ચે ઘણી સમાનતા છે, અમે બંને સીમનો ઉપયોગ કરીએ છીએ. મેં તેમને ઘણીવાર બોલિંગ કરતા જોયા છે અને હું ખાસ ધ્યાન રાખુ છું. મેં તેમની ઊંચાઈ સાથે મારી સરખામણી કરી છે, જેથી મને ખબર પડે કે તે મારા કરતા હાઈટમાં ઊંચા છે કે બરોબર. મને લાગે છે કે હું તેમની જેમ બોલિંગ કરી શકું છું.
ભારતીય બેટ્‌સમેન મયંક અગ્રવાલને ઇન્દોરમાં એક જીવનદાન મળ્યું હતું, જે પછી તેણે ૨૪૩ રનની ઇનિંગ્સ રમી હતી. જાયેદે કહ્યું કે, હું આ અંગે વધારે વિચારતો નથી. મારુ માનવું છે કે આ ક્રિકેટનો એક ભાગ છે. તે કેચ થવા જોઈતા હતા પરંતુ કોઈ પણ માણસ ભૂતકાળ વિશે વિચારીને તેને બદલી શકતો નથી. હું સતત તે વિશે વિચારતો રહ્યો તો તેની મારા પર વિપરીત અસર થશે.