(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
નાગરિકતા સુધારા કાયદાને લઈ ચાલી રહેલા દેશભરમાં વિરોધની વચ્ચે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ રવિવારે તેમના ટ્‌વીટરના આધિકારીક એકાઉન્ટથી બે વીડિયો ટ્‌વીટ કર્યા હતા. પ્રથમ વીડિયો જામિયા વિસ્તારમાં રોડ પર ટાયરો અને વાહનો સળગી રહ્યા હોવાનો હતો જેમાં સિસોદિયાએ ટ્‌વીટ કરી દાવો કરતા કહ્યું કે, જ્યારે પોલીસ ત્યાં શાંતિથી ઊભી છે અને કેટલાક લોકો તેમના સંરક્ષણ હેઠળ હિંસા ભડકાવી રહ્યા છે. સિસોદિયાએ ટ્‌વીટ કરી જણાવ્યું કે, ચૂંટણીની હારના ડરે ભાજપે આગ ચાંપી છે. આપ સરકાર કોઈપણ પ્રકારની હિંસાના વિરોધમાં છે. આ ભાજપની ગંદી રાજનીતિ છે. આ વીડિયો જુઓ કેવી રીતે પોલીસના સંરક્ષણ હેઠળ આગ ચાંપવામાં આવી રહી છે. આની સાથે સાથે સિસોદિયાએ બીજું ટ્‌વીટ કરતા જણાવ્યું કે, કેટલાંક ફોટાઓ અપલોડ કર્યા હતા જેમાં પોલીસ સાથે એક નારંગી/લાલ શર્ટ અને હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓ વિરોધી પર લાઠીઓ વરસાવી રહ્યા હતા એવા બીજા ફોટાઓ પણ હતા. સિસોદિયાએ ફોટાઓ ટ્‌વીટ કરી કહ્યું કે, આ સ્પષ્ટ થવું જોઈએ કે આગ લગાવ્યા પહેલા ખાખી વદી પહેરેલા વ્યક્તિઓ પીળા અને સફેદ રંગના ડબ્બાઓથી બસમાં શું નાખી રહ્યા હતા.આ અંગે પણ નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. અને કોના કહેવા પર આ કરાયું હતું? ફોટામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપે ગંદી રાજનીતિ કરતા પોલીસથી આ આગ લગાવી છે.