(એજન્સી) માધોપુર,તા.૧૧
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ઈતિહાસનો સૌથી અનોખો મામલો સામે આવ્યો છે. અહિં લાંચખોરોની વિરૂદ્ધ કાર્યવાહી કરનાર અધિકારી પોતે જ લાંચ લેતો ઝડપાયો છે. ચોંકાવનારી વાત તો એ છે કે ૯ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ એટલે કે એન્ટી કરપ્શન ડેના અવસર પર એસીબીના ડીએસપીએ ભાષણ આપ્યું કે લાંચ લેવી અને આપવી બંને અપરાધ છે. જો કોઈ લાંચ માગે તો ૧૦૬૪ પર ફોન કરી ફરિયાદ કરી શકાય છે. સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચારીઓની વિરૂદ્ધ જાગરૂતતાનો પાઠ ભણાવનાર આ ડીએસપી ભાષણના એક કલાક પછી પોતે ૮૦ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા નામ છે ડીએસપી ભૈરૂલાલ મીણા, જે સવાઈ માધોપુર એસીબીમાં કાર્યરત છે. જણાવી દઈએ કે બુધવારે રાજસ્થાન ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો ઓફિસ જયપુરની ટીમે સવાઈ માધોપુર એસીબી ચોકીમાં કાર્યવાહી કરે છે. અહીં એસીબીના ડીએસપી ભૈરૂલાલ મીણાને ૮૦ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડયા હતા. લાંચની આ રકમ સવાઈ માધોપુર જિલ્લા પરિવહન અધિકારી મહેશ ચંદ મીણા પાસેથી માસિક હપ્તા તરીકે લેવામાં આવી હતી.
કોણ છે લાંચખોર ડીએસપી ભૈરૂલાલ મીણા ?
એસીબીના ડીજી બીએલ સોનીએ જણાવ્યું કે આરોપી ડીએસપી ભૈરૂલાલ મીણા કોટાની આકાશવાણી કોલોનીના રહેવાસી છે. સવાઈ માધોપુર એસીબી ચોકીમાં પ્રભારી તરીકે કાર્યરત હતા. તેમની વિરૂદ્ધ ગત બે ત્રણ મહિનાથી સતત માસીક હપ્તાની ફરિયાદ મળી રહી હતી. હપ્તો પણ તે એસીબી ચોકી અધિકારીઓને બોલાવીને લેતા હતા. માટે ટીમ સતત તેમની પર નજર રાખી રહી હતી. બુધવારે જયપુરથી ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોની ટીમ સવાઈ માધોપુર એસીબી ઓફિસ પહોંચી તો ત્યાં કરોલી જિલ્લાના દલપુર રહેવાસી સવાઈ માધોપુર ડીટીઓ મહેશ ચંદ મીણા માસીક હપ્તો ૮૦ હજાર રૂપિયા આપવા આવ્યા હતા. જયપુર એસીબી ટીમે ડીટીઓને લાંચ આપતા અને ડીએસપીને લાંચ લેતા રંગે હાથ પકડી લીધા. ડીટીઓ સવાઈ માધોપુરમાં ભાડાના ઘરમાં રહે છે. એસીબીની તપાસમાં તેમના ઘરમાંથી ૧.૬૧ લાખ રૂપિયા રોકડ મળ્યા છે.