(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
૧૦.૨૮ લાખનાં બીલો મંજુર કરવા માટે કોન્ટ્રાકટર પાસેથી ૨૪ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વાઘોડિયા તાલુકાના મહિલા તાલુકા વિકાસ અધિકારીના આણંદ સ્થિત નિવાસ સ્થાને એ.સી.બી.ની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. જેમાં ૧૪ લાખની અસ્કયામતો મળી આવી હતી. આ ઉપરાંત એ.સી.બી.એ મહિલા ટી.ડી.ઓ.ને કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રીમાન્ડ મેળવ્યા હતા.
વડોદરા જિલ્લાનાં વાઘોડિયા તાલુકા ખાતે વિવિધ વિકાસના કામોનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટર યુસુફભાઇ વ્હોરાએ વિવિધ ધામોમાં કરેલા વિકાસલક્ષી કામોના ૧૦.૨૮ લાખ રૂપિયાના બીલો મંજુર કરાવવા માટે વાઘોડિયા તાલુકા પંચાયતના મહિલા તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ કામિનીબેન ઠાકોરભાઇ પંચાલનો સંપર્ક સાંધતા ટી.ડી.ઓ. કામિનીબેને બીલો મંજુર કરવા માટે ૨ ટકા પ્રમાણે ૨૪ હજાર રૂપિયા લાંચની માંગણી કરી હતી.
આ અંગે કોન્ટ્રાકટરે એ.સી.બી.માં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા ટી.ડી.ઓ.ને લાંચની રકમ લેતા વાઘોડિયા તાલુકા પંચાયતની કચેરીમાં રંગેહાથ ઝડપી પાડયા હતા. એ.સી.બી.એ. ટી.ડી.ઓ. કામિનીબેન પંચાલની ધરપકડ કરી આજે આણંદ ખાીતે ગણેશ ચોકડી નજીક આવેલા તેમના મિનાક્ષી બંગલો નામનાં નિવાસ સ્થાને સર્ચ હાથ ધર્યું હતું. તપાસ દરમ્યાન તેમની પાસેથી ૧૪ લાખ રૂપિયાની અસક્યામતો મળી આવી હતી. સાથે જ એ.સી.બી.એ તેમના બેન્ક ખાતા અને લોકર તેમજ સ્થાવર જંગમ મિલકતોની પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એ.સી.બી.એ મહિલા ટી.ડી.ઓ. કામિનીબેનને અદાલતમાં રજુ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગણી કરતા અદાલતે તેમના એક દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.