ધંધુકા, તા.૭
ધંધુકા-રાણપુર રોડ પર રેલવે ફાટક નજીક ડમ્પર ચાલકે બાજુમાં જતા બાઈકચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે જ બાઈકચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શેાકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડમ્પર નંબર જી.જે.૧૩ એક્સ-૬૪૮૩ના ચાલકે બાજુમાં જઈ રહેલ ઝાકીરભાઈ ઐયુબભાઈ વારૈયા (ઉ.વ.રપ)ને ટક્કરે લેતા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જાકીરભાઈ તેમના મા-બાપનો એકનો એક લાડકવાયો પુત્ર હોવાનું પણ સામે આવી રહ્યું છે. મૃતકનું પી.એમ. ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે કર્યા બાદ મૃતદેહને તેમના સ્નેહીજનોને સોંપવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
છેલ્લા ઘણાં સમયથી ધંધુકા પંથકમાં બેફામ ઓવરલોડ ડમ્પરો નિયમોની ઐસી કી તૈસી કરીને ચાલી રહ્યા છે તેમ છતાં સ્થાનિક પોલીસ કે આર.ટી.ઓ. તંત્ર કોઈ પગલા ભરતુ નથી. આ મામલે પોલીસ કે આર.ટી.ઓ. આળસ ખંખેરીને ડમ્પર ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરે તેવી આમ જનતામાંથી માંગ ઉઠવા પામી છે.