(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૫
ગોત્રી રોડ ઇસ્કોન હાઇટ્‌સ પાસે પુરઝડપે દોડતી કાર અને સ્કૂલ વર્ધી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સ્કૂલવર્ધી રિક્ષામાં સવાર પાંચ બાળ વિદ્યાર્થીઓ ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા ફંગોળાયેલા બાળ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. અકસ્માત સ્થળે ટોળુ એકત્ર થયું હતું. અકસ્માતમાં ઘવાયેલા બાળ વિદ્યાર્થીઓને સારવાર અર્થે દવાખાને લઇ જવાયા હતા. ખાનગી દવાખાને સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા બાળ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતનાં બનાવ અંગેની જાણ થતા ગોત્રી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
કારના ચાલક અને સ્કૂલવર્ધી રિક્ષા ચાલક વચ્ચે તુ તુ મે મે થઇ હતી. કારના ચાલકે આક્ષેપ કર્યો હતો કે, સ્કૂલ વર્ધી રિક્ષાનો ચાલક રોંગ સાઇડ ધસી આવતા અકસ્માત સર્જાયો છે તો સામે પક્ષ રિક્ષા ચાલકે પોતાનો બચાવ રજૂ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સ્કૂલવર્ધી રિક્ષામાં સવાર બાળ વિદ્યાર્થીઓ ઇલોરાપાર્કની આનંદ વિદ્યાવિહાર શાળાના હોવાનું બહાર આવ્યું હતું. સ્કૂલવર્ધી રિક્ષાને અકસ્માત નડયો હોવાની જાણ થતાં બાળ વિદ્યાર્થીઓના પરિવારજનોનાં જીવ પડીકે બંધાયા હતા. ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હોવાની જાણ થતા પરિવારજનો પોતાના વ્હાલ સોયાને જોવા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.