ભાવનગર, તા. ૧૧
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગણેશગઢ ગામ નજીક આજે વ્હેલી સવારે સર્જાયેલા વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. જ્યારે બે મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. તળાજા પંથકના યુવાનો આજે વ્હેલી સવારે પરીક્ષા આપવા અમદાવાદ જઈ રહ્યા હતા તે વેળાએ કારમાં બેઠેલા યુવાનોને સામેથી આવતા ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણવા મળેલ વિગતો મુજબ આજે વ્હેલી સવારે ગણેશગઢ ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં બેઠેલા અક્ષય વલ્લભભાઈ બારૈયા (ઉ.વ.ર૦) રહે. ઘોટરવાળા તા. તળાજા જિ. ભાવનગર અને રજનીકાંત ભાનુશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.ર૦) રહે. દેવગાણા તા. તળાજા, જિ. ભાવનગરને ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બે મહિલા સહિત ત્રણને ઈજા પહોંચતા બંનેને ગંભીર ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વેળાવદર (ભાલ) પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે અકસ્માત સર્જી ટેન્કર ચાલક નાસી ગયો હતો પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ તળાજાના યુવાનો આજે વ્હેલી સવારે કારમાં બેસી અમદાવાદ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો.