(એજન્સી) લખનૌ, તા.૧૧
ઉત્તરપ્રદેશના કન્નૌજ જિલ્લાની પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ-વે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓનો એક સમૂહ સંત કબીર નગરથી શૈક્ષણિક પ્રવાસ પર હરિદ્વારા જઈ રહ્યો હતો તે જ સમયે સવારે ૭ કલાકે એક બસે ૧૧ વિદ્યાર્થીઓને કચડી નાખ્યા જેમાંથી ૭ વિદ્યાર્થીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ૪ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. જાણકારી અનુસાર કૈલાશી દેવી કેશવ પ્રસાદ બી.ટી.સી.કોલેજ બદરા, ખજની (ગોરખપુર) અને પ્રેમાદેવી ઈન્ટર કોલેજની (સંત કબીરનગર) ૧ર બસોથી લગભગ પ૦૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હરિદ્વાર જઈ રહ્યા હતા. એક બસનું ડીઝલ પૂરું થઈ ગયું. જેને કારણે બસોને એક્સપ્રેસ વે પર ઊભી કરી દેવામાં આવી. કેટલાક વિદ્યાર્થીઓ બસોમાંથી ઉતરીને એક્સપ્રેસ-વેની આસપાસ ઊભા રહી ગયા ત્યારે કન્નૌજના તાલગ્રામની પાસે રોડવેજ બસે કાબુ ગુમાવતા ૧ર વિદ્યાર્થીઓને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં ૭ વિદ્યાર્થીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તાલગ્રામ અને તિર્વાની પોલીસ અને પ્રાદેશિક અધિકારી કન્નૌજમાં ઘટનાસ્થળે પહોંચ્યા છે. મૃતકોમાં વિજયકુમારના પુત્ર હીરાલાલ, મહેશકુમાર ગુપ્તાના પુત્ર કૃષ્ણ મુરારી ગુપ્તા, અભય પ્રતાપસિંહના પુત્ર દેવેન્દ્રકુમાર સિંહ, મિથિલેશ કુમારના પુત્ર રાજેન્દ્ર પ્રસાદ, વિશાલકુમારના પુત્ર પ્રકાશચંદ્ર, જિતેન્દ્રકુમાર યાદવના પુત્ર યશવંત યાદવ, સતીષના પુત્ર રામફેર સામેલ છે. મૃત્યુ પામનાર સંતકબીરનગરના પ્રેમાદેવી ઈન્ટર કોલેજમાંથી બી.ટી.સી કરી રહ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓને કન્નૌજ મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ર-ર લાખ રૂપિયા અને ઘાયલ વિદ્યાર્થીઓના પરિવારને પ૦-પ૦ હજાર રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે.