લુણાવાડા ખાતે જિલ્લા ન્યાય સંકુલનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

લુણાવાડા, તા.૨

રાજ્ય પ્રશાસન, ન્યાયતંત્ર અને ધારાશાસ્ત્રી સમુદાયના સમન્વિત પ્રયાસો અને વિધેયાત્મક અભિગમથી છેવાડાના માનવીઓને ઝડપી અને ઉચિત ન્યાય મળ્યાનો સંતોષ થાય એના હૈયે ટાઢક વળે અને સામાન્ય માનવીની લોકશાહીમાં શ્રદ્ધાંદૃઢ થાય એવું વાતાવરણ બળવત્તર બનાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિમાયત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૨૮મા નવરચિત જિલ્લા મહિસાગરના વડામથક લુણાવાડા ખાતે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની સાથે સ્વતંત્ર મહિસાગર જિલ્લા અદાલતના છત્ર હેઠળ વિવિધ પ્રકારની દશ અદાલતોનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે રૂા.૩૩ કરોડથી વધુ રકમના ખર્ચે બંધાનારા મહિસાગર જિલ્લા ન્યાય મંદિરના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ રાજ્યની અદાલતોમાં પડતર કેસોના ઝડપી અને સંતોષજનક નિકાલની થયેલ અદ્‌ભૂત કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તાજેતરના વિધાનસભા સત્રમાં વિવિધ કાયદાઓમાં સુધારા કરતા ૨૪ જેટલા વિધેયકો પસાર કર્યા છે. જેનાથી લોકોની સરળ અને ઝડપી ન્યાય આપતી વ્યવસ્થાની અનુભૂતિ થશે. સામાન્ય માણસને અને સમાજને કાયદો અને વ્યવસ્થાનું વધુ સારૂ સુરક્ષા છત્ર મળે, કાયદાનું પીઠબળ અને હુંફ મળે અને એ રીતે ન્યાયતંત્ર ઉપરાંત ધારાશાસ્ત્રી આલમના વિધેયાત્મક સહયોગનો અનુરોધ કર્યો હતો. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીએ સૌના સહિયારા પ્રયાસોથી ગરવી જ્યુડિશનરી ઓફ ગુજરાતની વિભાવના અપનાવવાનું સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પડતર કેસોમાં સૌથી વધુ કેસો વાહન અકસ્માત વળતર અને જમીન સંપાદન વળતરના છે આ કેસોનું નિરાકરણ ખૂબ જ ઝડપથી આવી શકે અને પક્ષકારોને ઝડપી ન્યાય મળે તે માટે ધારાશાસ્ત્રીઓ આવા કેસોમાં એકપણ મુદ્દત (એડજર્નમેન્ટ) ન માગવાનો અભિગમ અપનાવે. મુખ્ય ન્યાયમૂર્તિએ અદાલતો માટે અદ્યતન અને સુવિધાજનક ભવનો બનાવવાની રાજ્ય સરકારની નિષ્ઠાની સાથે, આવા ભવનો ખૂબ જ ગુણવત્તાયુક્ત નિર્માણ પામે તે માટે ધારાશાસ્ત્રીઓને તેના કામમાં મોનિટરિંગમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને ઝડપી રસ્તો અને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષના બજેટમાં રૂા.૧૭૫૧ કરોડ મંજૂર કર્યા છે. ઉપરાંત મહિસાગરના વિરપુર માટે પણ નવિન કોર્ટ બનાવવામાં આવશે.