(સંવાદદાતા દ્વારા બાવળા, તા.૧૧
અમદાવાદથી પુસ્તક લઈ પરત બાવળા ફરતી કિશોરીને અકસ્માત નડતા તેણીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રજોડા પાટિયા નજીક ઈકો કારના ચાલકે આ કિશોરીને અડફેટે લીધી હતી. પોલીસે મૃતદેહનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ બાવળા ખાતે રહેતી અને ધોરણ ૯માં અભ્યાસ કરતી પરીધી (ઉ.વ.૧૪) પુસ્તકો લેવા માટે અમદાવાદ ગઈ હતી અને પરત ફરતી વખતે એએમટીએસ બસમાં બેઠી હતી. ત્યારબાદ બસના ડ્રાઈવરે રજોડા પાટિયા નજીક બસ ઊભી રાખી હતી. પરીધીને બાવળા જવાનું હોય તે પણ બસમાંથી ઉતરી હતી. તે જ વેળાએ હાઈવે ક્રોસ કરતી વખતે એક ઈકો ગાડી ચાલકે તેની ગાડી ગફલતભરી રીતે હંકારી પરીધીને અડફેટે લેતા તેણીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બાવળા પોલીસે પીએમની તજવીજ હાથ ધરી ફરાર ઈકો ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પરિવારની એકની એક દીકરીનું અકાળે મોત નિપજતાં પરિવારમાં ગમગીની વ્યાપી છે.