(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
રવિવારે ઉન્નાવ રેપ પીડિતાના ગંભીર અકસ્માત બાદ પીડિતા જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહી છે ત્યારે આ કેસની તપાસ હવે સીબીઆઇ કરશે. રાયબરેલીમાં કાર અકસ્માતના ૨૪ કલાકની અંદર જ કેસને સીબીઆઇને સોંપવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે રેપનો આરોપ કરનારી યુવતી અને તેનો વકીલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે તેની માસી સહિત બેનાં મોત થયા છે. તેની બે માસીમાંથી એક આ કેસમાં સાક્ષી છે. અહેવાલો અનુસાર રેપ પીડિતા અને તેના વકીલની સારવાર માટે તેમને લખનઉની કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સિટીમાંથી દિલ્હી શિફ્ટ કરાયા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. રાયબરેલીમાં યુવતીના કાકાને જેલમાં રાખવામાં આવ્યા હોવાથી તેઓ રવિવારે તેમને મળવા જઇ રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સરકાર સામે ગંભીર સવાલો થતા કેસને સીબીઆઇને સોંપવાનો નિર્ણય કરાયો હતો. લખનઉના એડીજી રાજીવકુમારે અકસ્માત વિશે જણાવ્યું હતું કે, ભારે વરસાદને પગલે ઓછું દેખાતું હોવાથી આ ટ્રક કારની અંદર ઘૂસી ગયો હતો. અમે ડ્રાઇવરના આંખોના નંબર અને ક્લિનર વિશે તપાસ કરી રહ્યા છીએ તથા તેમના કુલદીપ સેંગર સાથે સંબંધો વિશે પણ તપાસ કરીશું. અકસ્માત સ્થળે સીબીઆઇની ફોરેન્સિક ટીમ પહોંચી હતી અને બાદમાં ટ્રોમા સેન્ટર ખાતે પણ પહોંચી હતી જ્યાં પીડિતા સારવાર લઇ રહી હતી. પીડિતાની માતાએ દાવો કર્યો હતો કે, આ કોઇ અકસ્માત નથી પણ અમને ખતમ કરવાનું કાવતરું છે. સહઆરોપીના પુત્ર શાહી સિંહ અને અન્ય ગામના યુવાનો અમને ધમકાવે છે. તેઓ કહે છે કે તેઓ અમને જોઇ લેશે.