Ahmedabad

ક્રાઈમના પ્રોગ્રામમાં કામ કરનારા કલાકારે કરી ‘કળા’ : એકાઉન્ટ હેક કરતાં ઝડપાયો

અમદાવાદ,તા.૧૪
ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એકટીંગ કરતા એક ગુજરાતી ફિલ્મ કલાકારને સપને પણ ખ્યાલ નહીં હોય કે તે પોતે ક્રાઈમ કરશે. પરંતુ કહેવત છે ને કે લાલચ અને લોભ માણસની પાસે કંઈ પણ કરાવી શકે. તેમ બન્યું પણ એવું કે ગુજરાતી ફિલ્મના કલાકારે યુટયુબ એકાઉન્ટ હેક કરી રૂા.પ૬ હજારની રકમ બારોબાર ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી છે. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી કલાકારને ‘કળા’ કરતા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાયબર ક્રાઇમે આગામી ગુજરાતી ફિલ્મ ‘ધ ગેસ્ટ હાઉસ’ના કલાકારની અટક કરી છે. જેની સામે યુ ટ્યૂબની ચેનલ હેક કરવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલાકાર પર યુ ટ્યુબ એકાઉન્ટ હેક કરી મળતી ૮૦૦ ડોલર (૫૬૦૦૦)નીઆવક પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. ગુજરાત અર્બન મુવી ધ ગેસ્ટ હાઉસ નામની ફિલ્મમાં લીડ રોલમાં રહેલા રોહિત કળથીયાનામના શખ્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજુ ગોવિંદભાઈ ભરવાડે આ બાબતે ફરિયાદ નોંધાવી છે કે, ૨૨ જુલાઈ ૨૦૧૮ પહેલા કોઈપણ સમયે અજાણ્યા શખ્સે ફરિયાદીની યુ ટ્યૂબ ચેનલના ઓફિશિયલ આઈડી તથા પાસવર્ડ હેક કરી ફરિયાદીની પરવાનગી વિના યુ ટ્યૂબ ચેનલની જગ્યાએ બીજી આઈડી બનાવી પાસવર્ડ બદલી નાંખ્યા હતા. જેમના એસબીઆઈ એકાઉન્ટ નંબર તથા પીન નંબર બદલી નાંખી છેતરપિંડી આચરી હતી. જેમાં તેમના ખાતામાંથી ૫૬,૦૦૦ રૂપિયા સેરવી લેવાયા હતા. આ કેસમાં પોલીસે રોહિતની ધરપકડ કરી છે.
જેને પગલે સાયબર ક્રાઈમે બોટાદમાં તપાસ કરતા આરોપી રોહિત નરસીભાઈ કળથીયાની અટક કરી હતી. ત્યાર બાદ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા હતા. આ ફોનમાંથી ફરિયાદીના ઈ-મેલ આઈડી અને પાસવર્ડ બદલ્યો હોવાના પુરાવા મળ્યા હતા. આરોપી રોહિત કળથીયા બીસીએ સુધી ભણેલો છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક્ટિંગ ક્ષેત્રે કાર્યરત છે. આ દરમિયાન આરોપીએ એક ચેનલમાં ક્રાઈમ કવરેજ તથા ક્રાઈમ પોઈન્ટના પ્રોગ્રામમાં એક્ટિંગ કરી છે અને હાલ ગુજરાતી આલ્બમ તથા ગુજરાતી ફિલ્મ્સમાં એક્ટિંગ કરે છે. આ ઉપરાંત તેમની ત્રણ યુ ટ્યૂબ ચેનલ પણ ચાલે છે. આ એક ગુજરાતી એક્ટર છે.