(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નારાજ પાટીદારોને મનાવવા ભાજપે અને ભાજપ સરકારે કમર કસી છે. એટલે જ ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડે તે અગાઉ પાટીદારોને મનાવી લોલીપોપ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી પાટીદારોમાં ભાગલા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પાટીદારોની મુખ્ય માગણી અનામતની છે. ત્યાર બાદ અનામત આંદોલનમાં માર્યા ગયેલા લોકોને વળતર, પાટીદાર આયોગની રચના, ગોળીબાર અને લાઠીચાર્જ કરનાર અધિકારીઓ સામે પગલાં ભરવા સહિતની માગણી હતી પરંતુ સરકારે મુખ્ય ચાર પૈકી અનામત સિવાયની ત્રણ માગણીઓનો સ્વીકાર કરતા પાટીદારોના કેટલાક આગેવાનોએ તેને આવકાર્યો છે. જયારે હાર્દિક સહિત પાસના કેટલાક નેતાઓનું કહેવું છે કે, અમારી મુખ્ય લડાઈ અને માગણી અનામતની છે. જે માટે લડત ચાલુ રહેશે આમ સરકાર સાથે મીટિંગ બાદ ચોક્કસ સમાધાન સધાયું નથી. પરંતુ પાત્ર ગોળ-ગોળ વાતો લાગતા ચાલુ મીટિંગમાં જ કેટલાક પાટીદાર આગેવાનોએ ભાજપ હાય હાયના સૂત્રો પોકારી વિરોધ નોંધાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટીદાર આંદોલન અને ત્યાર બાદની ઘટનાઓથી સરકાર બરાબર ભીસમાં મુકાઈ ગઈ છે અને વિધાનસભાની ચૂંટણીમાં પંચાયતવાળી થાય તો ભાજપના સુપડા સાફ થઈ જશે તેવી બીક લાગતા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે અગાઉ પાટીદારોને મનાવવા મરણિયા પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમાં તેને ઝાઝી સફળતા મળી હોય તેમ લાગતું નથી પાટીદાર આગેવાનો સમાજ સમક્ષ જશે. ત્યાર બાદ સમાજ શું નિર્ણય લેશે તેની પર ભાજપ અને કોંગ્રેસ મીટ મંડાયેલી છે. ત્યાં સુધી તમામના જીવ અધ્ધર રહેશે.