(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.ર૭
ચાલુ વર્ષે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં પાછોતરો વરસાદ ન પડતા આ બંને તાલુકાઓના બિનપિયત વિસ્તારોમાં આવેલી ખેતીની જમીનમાં કરેલા વિવિધ પાકો નિષ્ફળ જવાની ભીતિ ઊભી થવા પામી છે.
આ પ્રશ્ને આ બંને તાલુકાઓમાં ખેડૂતોએ આ વિસ્તારના માજીધારા સભ્ય અને માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીને રજૂઆત કરી છે. જેમાં ચાલુ વર્ષે ચોમાસાની મૌસમમાં પાછોતરો વરસાદ ન પડતાં ખેડૂતોના વિવિધ પાકો નિષ્ફળ જાય તેમ જણાય છે. આ બંને તાલુકાઓના બિનપિયત વિસ્તારમાં આ સમસ્યા ઊભી થવા પામી છે. આ પ્રશ્ને માજી પંચાયત મંત્રીએ સરકારના સંબંધિત વિભાગોને રજૂઆત કરી છે કે ચેકડેમો અને તળાવોમાં પાણી રોકવામાં આવે. તાત્કાલિક ધોરણે આનાવારીની જાહેરાત કરવામાં આવે. ખેડૂતોએ જે બેન્કો કે સહકારી મંડળીઓમાંથી ખેતી માટે ધિરાણ લીધું હોય તે માફ કરવામાં આવે અને રાજ્ય સરકાર આ બંને તાલુકાના બિનપિયત વિસ્તારોને અર્ધઅછતવાળા વિસ્તારો જાહેર કરી નિયમ મુજબનાં લાભો આપવામાં આવે એવી માંગ કરી છે.