સુરત, તા.૧૩
મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ મામલે તપાસ ACP સી.કે. પટેલ પાસેથી લઈ કોઈ IPS અધિકારીને આપવાની માગણી કરાઈ છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ મામલે તપાસને લઈ યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને સુરત શહેર પોલીસ કમિશનરને એક પત્ર પાઠવીને આ બાબતે તપાસ છઝ્રઁ સી.કે. પટેલ પાસેથી લઈ કોઈ IPS અધિકારીને આપવાની માગણી કરી છે. પાત્રમાં લખ્યું છે કે, ગત દિવસે સુરતના વરાછા વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ તેમજ ગુજરાત સરકારના મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી વચ્ચે માથાકૂટ થઈ હોવાની ઘટના બની હતી. મંત્રીપુત્ર દ્વારા રાત્રી કરફ્યુનો ભંગ કરતા ફરજ ઉપર હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાના યાદવ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા તે પછી મંત્રીપુત્રએ હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે માથાકૂટ કરી ગેરવર્તન કર્યું હતું. આ તમામ ઘટનાને જોતા પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે, મહિલા પોલીસ કોન્સ્ટેબલે કરફ્યુના પાલન માટે જે કરવું જોઈએ તે કરી પોતાની ફરજ નિભાવવાનું કાર્ય કર્યું હતું. પરંતુ ઉપલા અધિકરીઓ દ્વારા કરફ્યુનો ભંગ કરનાર મંત્રીપુત્ર વિરૂદ્ધ તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે ફરજ ઉપર હાજર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવને પોઈન્ટ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આ તમામ ઘટનાક્રમની તાપસ ACP સી.કે. પટેલને આપવામાં આવી છે જેને લઈ મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે અસંતોષ વ્યક્ત કર્યો છે આથી આ મામલે તપાસ ACP સી.કે.પટેલ પાસેથી લઈ કોઈ IPS અધિકારીને આપવામાં આવે એવી અમારી માગણી છે.