(એજન્સી) ક્રાઈસ્ટચર્ચ, તા. ૧૯
ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ને મંગળવારે શોકના માહોલમાં સંસદના સત્રની શરૂઆત કરતા મુસ્લિમોને ‘અસ્સલામુ અલયકુમ’ કહીને શાંતિનો સંદેશ આપ્યો અને ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં બેફામ ગોળીબાર કરીને ૫૦ નમાઝીઓને શહીદ કરનાર આતંકવાદીનેનું નામ ક્યારેય પણ નહીં લેવનો સંકલ્પ કર્યો છે. એર્ડર્ને શોકમાં ડુબેલા લોકોને કહ્યું કે હુમલાખોરને સખતમાં સખત સજા કરવામાં આવશે. સાથે જ તેમણે એવું વચન પણ આવ્યું કે હુમલાખોરનો કોઇ પણ પ્રકારનો પ્રચાર ન થાય તેના માટે તેમણે હુમલાખોરનું જરાય પણ નામ નહીં લેવાનો વાયદો કર્યો છે. એર્ડર્ને ૨૮ વર્ષીય આતંકવાદી વિશે કહ્યું કે તેણે જે કર્યું, તેના ઘણા ઉદ્દેશ હતા. તેમાં એક કારણ પ્રચાર કરવાનું હતું, તેથી તમે ક્યારેય પણ મારા મોઢેથી તેનું નામ સાંભળશો નહીં. તે એક આતંકવાદી છે, એક અપરાધી છે, તે એક કટ્ટરવાદી છે પરંતુ હવે તેનું કોઇ નામ હશે નહીં. ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાને કહ્યું કે હું તમને વિનંતી કરૂં છું કે ક્રાઇસ્ટ ચર્ચની બે મસ્જિદમાં હુમલો કરનારનું નામ લેવાને બદલે હુમલામાં શહીદ થયેલાઓના નામ લો. એક નિવેદનમાં તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં રહેતા ઇમિગ્રન્ટ્‌સ અને નિર્વાસિતો અમારા ભાગ છે. ન્યૂઝીલેન્ડની સંસદને પોતાના સંબધોનની શરૂઆત તેમણે ‘મિસ્ટર સ્પીકર અસ્સલામુ અલયકુમ’થી કરી હતી. તેમણે કહ્યું કે મિસ્ટર સ્પીકર ૧૫મી માર્ચની ઘટના કાયમ આપણા સ્મરણમાં રહેશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ઓસ્ટ્રેલિયન આતંકવાદી બ્રેન્ડન ટેરન્ટ દ્વારા મસ્જિદમાં શહીદ કરવામાં આવેલા બધા ન્યૂઝીલેન્ડર્સ હતા. તેઓ આપણા છે. તેઓ આપણા હોવાથી એક રાષ્ટ્ર તરીકે અમને ખેદ છે.
કાળા રંગના વસ્ત્રો પહેરેલા ૩૮ વર્ષીય જેસિન્ડાએ પોતાના સંબોધનના અંતે કહ્યું કે શુક્રવારે આ બિહામણા હુમલાને એક સપ્તાહ થઇ જશે. શુક્રવારે મુસ્લિમો જુમ્માની નમાઝ માટે એકત્રિત થશે. આપણે તેમની પીડા સમજવી જોઇએ. હુમલામાં શહીદ થયેલાઓની ઓળખ અને તેમની ફોરેન્સિક દસ્તાવેજ સંબંધિત પ્રક્રિયામાં સમય લાગવાને કારણે અત્યાર સુધી શહીદોને દફનાવી શકાયા નથી. સામાન્ય રીતે ઇસ્લામી પરંપરા મુજબ મૃતકને ૨૪ કલાકમાં દફનાવી દેવામાં આવે છે. દરમિયાન, ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાને તેમના દેશના બંદૂક સંબંધિત કાયદાઓમાં પણ સુધારા કરવાનું વચન આપ્યું છે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન હુમલામાં શહીદ થયેલા મુસ્લિમોના પરિવારવાળાઓ પાસે ગયા હતા.તેઓ મુસ્લિમ પરિવારોને મળવા માટે હિજાબ પહેરીને ગયાં હતાં. શહીદોના પરિવારના સભ્યો સાથેની મુલાકાત વખતે ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાનના ચહેરા પર ઉદાસી હતી અને તેમની આંખો ભીની હતી.

એક્શનમાં ન્યૂઝીલેન્ડ : લોકો પાસેથી ખતરનાક હથિયાર છિનવી લેવાશે, કંપનીઓ ફેસબુકથી જાહેરાત પાછી લેશે

(એજન્સી) ક્રાઇસ્ટચર્ચ તા.૧૯
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં આતંકી હુમલામાં ૫૦ નમાઝીઓની શહાદત બાદ ન્યૂઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા એર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે તેઓ બંદૂકનો કાયદો કડક બનાવવા માટે ટૂંક સમયમાં જ આગળ વધશે. અર્ધ-સ્વયંસંચાલિત શસ્ત્રો સામે પ્રતિબંધ અંગે ચાલુ સપ્તાહમાં મંત્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે. અમારૂં પ્રધાનમંડળ પ્રસ્તાવ પર સંમત થઇ ગયું છે. તેમણે એવું પણ કહ્યું કે અમે ૧૦ દિવસમાં દેશનો બંદૂક અંગેનો વર્તમાન કાયદો બદલી નાખીશું. બીજીબાજુ ન્યૂઝીલેન્ડની ખાનગી કંપનીઓ પણ આતંકવાદી હુમલાનો વીડિયો લાઇવ બતાવવા અંગે ફેસબુકથી નારાજ છે. ઘણી કંપનીઓએ ફેસબુક અને ગૂગલથી પોતાની જાહેરાત પાછી લેવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં એએસબી બેંક, લોટ્ટો એનજેડ, બર્ગર કિંગ અને સ્પાર્ક સહિત ઘણા બ્રાંડ સામેલ છે. જ્યારે એર એશિયાના સીઓ ટોની ફર્નાન્ડીઝે પણ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે.