વોશિગ્ટન તા. ૭

ભારતમાં કટ્ટરવાદી તત્વો સક્રિય હોવાનું જણાવીને અમેરીકાએ દક્ષિણ એશિયા જતાં તેના નાગરિકો માટે પ્રવાસની સલાહ જારી કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની મુલાકાત ન જવાની ચેતવણી ઉચ્ચારી છે. પ્રવાસ સલાહ અનુસાર આવા દેશોમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે અને તેઓ તેમના દેશમાં હુમલાઓ કરી શકે છે. તેથી અમેરિકાના નાગરિકોએ અફઘાનિસ્તાનની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ બીજી બાજુ આ પ્રાંતનો એક પણ દેશ હિંસાથી મુક્ત નથી. કેટલાક કુખ્યાત આતંકવાદી સંગઠનો તમારી સુરક્ષા પર ખતરો સર્જી શકે છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં ઘણા સંગઠનોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. અમેરિકી સરકારે તેની એડવાઈઝરમાં એવું પણ કહ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ, અલ કાયદા અને બીજા આતંકવાદી સંગઠનો  અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી શકે છે તેથી તેમણે સાવધાની રાખવાની જરૂર છે. કટ્ટરવાદી તત્વો પરંપરાગત રીતે કે બીજી કોઈ રીતે અમેરિકી નાગરિકોને નિશાન બનાવીને તેમની પર હુમલો કરી શકે છે. નવેમ્બર ૨૦૧૬ માં પણ દિલ્હીના અમેરિકી એલચી કચેરીએ તેના નાગરિકોને એક સલાહ આપીને ભારતમાં સક્રિય ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના સંભવિત હુમલા વિશે સાવધ કર્યાં હતા. અમેરીકી દૂતાવાસ કચેરીએ એવું પણ કહ્યું હતું કે ભારત આતંકવાદી હુમલા અને આતંકવાદી ગતિવિધિઓનું નું નિશાન રહ્યું છે. અને તેને કારણે અમેરિકાના નાગરિકો પર સીધી રીતે કે આડકતરી રીતે અસર પડી શકે છે. અમેરિકી દુતાવાસ કચેરીએ તેના નાગરિકોને એવી પણ ચેતવણી જારી કરી હતી કે અમેરિકી પ્રવાસીઓએ ધાર્મિક સ્થળો, માર્કેટ અને તહેવારના ટાણે ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. કારણ કે આવા સ્થળો આતંકવાદી સંગઠનોને નિશાન પર રહેતા હોય છે.