માંડવી, તા.૧
માંડવી શહેરની આન-સાન સમા ટોપણસર તળાવમાં અને તેના પરિસરમાં અને તળાવની આજુબાજુ એમફી થિયેટર, વોકવે તેમજ કન્ટ્રોલ રૂમ બાંધવા પર કચ્છના એડિશનલ સિનિયર સિવિલ ન્યાયમૂર્તિ નગર સેવાસદનને મનાઈ હુકમ આપેલ છે તે છતાં તળાવની પરિસર અને આજુબાજુ નગર સેવાસદને તળાવમાંનું વરસાદી પાણીનું મુખ્ય પાણી ગોકુલવાસ પાસે આવેલ કેનાલ (નાળા) પરથી જીમખાનાની પૂર્વ દિશા પાસેથી પરાપૂર્વથી વરસાદી પાણી આવે છે તે રીતે કુદરતી ઢાળ વહેણ છે ત્યાં પાકું બાંધકામ શરૂ કરતાં તેની સામે મનાઈ હુકમના ભંગની નોટિસ માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને જયકુમાર સંઘવીએ બે વખત પાઠવેલ છતાં શહેર સુધરાઈએ ઉપેક્ષા કરીને બેજવાબદારીપૂર્વકનું વર્તન કરીને અદાલતી આદેશની અવગણના કરતાં તેની સામે કન્ટેમ્પ્ટ ટુ કોર્ટ (કોર્ટના તિરસ્કાર)ની ફરિયાદ અરજી દાખલ કરી છે.
સંઘવીએ પોતાની જનહિતની અરજીના સમર્થનમાં એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટનો હુકમ જ્યાં ટોપણસર તળાવની અંદર, તળાવના પરિસર અને તળાવની આજુબાજુ કાયમી સ્વરૂપનું કોઈપણ પ્રકારનું બાંધકામ ન કરવાનો હુકમ કરેલ છે ઉપરાંત ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ માંડવી વિકાસ વિસ્તાર માટે પુનરાવર્તિત વિકાસ યોજના અંતર્ગત પાણીના પ્રવાહના બન્ને કાંઠે પંદર મિટર સુધી પુરાણ કામ કરી શકાય નહીં તેમજ અન્ય રીતે જમીનનો વિકાસ કરી શકાય નહીં તેના આધારે કરવા છતાં મુખ્ય અધિકારીએ કામ ચાલુ રખાવતા કોર્ટના હુકમનો અનાદર, અવગણના અને તિરસ્કાર થાય છે તેવી રજૂઆત કરી હતી.
આ ફરિયાદના અનુસંધાનમાં લેખિત એફિડેવિટ અને થતાં પાણીના વાહન અને આજુબાજુ થતાં કાયમી સ્વરૂપના ફોટોગ્રાફસ રજૂ કર્યા હતા. ભૂજમાં અધિક સિનિયર ન્યાયમૂર્તિની અદાલતમાં કન્ટેમ્પ્ટ ટુ કોર્ટ (કોર્ટના તિરસ્કાર)ની ફરિયાદ કરતાં અદાલતના રજિસ્ટ્રારે મનાઈ હુકમ ભંગની નોટિસ માંડવી નગર સેવાસદન ચીફ ઓફિસરે પાઠવીને તાકીદે ફરિયાદ અરજીના જવાબ આપવા જણાવ્યું છે.