ડભોઈ,તા.ર૪
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે ડીજેમાં નાચતા ધક્કો વાગવાની અદાવતે લાકડીઓ સાથે પાંચ જણા ચૌધરી પરિવારના ઘરે હુમલો કરતા દંપતીને ઈજા પહોંચી હતી. ત્યારે પાંચ સામે રાયોટીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો તો સામા પક્ષ વાળાએ પિયરમાં જઈ ખોટી ચઢામણી કેમ કરી તેમ કહેવા જતા મારામારી કરી જાતી અપમાન કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ડભોઈ પોલીસને ફરિયાદ આપતા બન્ને પક્ષે ક્રોસ ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઈ તાલુકાના ભીલાપુર ગામના રાજેન્દ્રભાઈ હરીભાઈ ચૌધરી રહે, તલાવડી ફળિયુ, ભીલાપુર પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.ર૧/પ/૧૮ના રોજ તેમના ભાઈના પુત્રની બાબરીનો પ્રસંગ હોવાથી તેમના ઘરે ડી.જે. વાગતું હતું. ત્યારે ગામના લોકો જેમાં વિજય અમરસિંગ વસાવા પણ આવીને ઊભો હતો. ત્યારે ધક્કામુક્કીમાં બોલાચાલી બાદ ઝઘડો થયેલ જેની અદાવત રાખીને ગતરોજ રાત્રીના ૧૦ વાગે રાજેન્દ્રભાઈ ચૌધરી તેમની પત્ની ગીતાબેન અને બાળકો જમી પરવારીને પોતાના ઘરમાં સુઈ ગયા હતા. ત્યારે વિજય અમરસિંગ વસાવા, જીગો ભરતભાઈ ચુનારા, અજય અમરસિંગ વસાવા, રાહુલ ભરત ચુનારા, જયરામ મેલસિંગભાઈ વસાવા આ પાંચે જણાએ એકત્ર થઈ હાથમાં લાકડીઓ લઈ ઘરે આવી બુમો પાડી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને હાથમાં રહેલી લાકડી વડે જીગો ચુનારાએ રાજેન્દ્રના માથામાં મારી લોહીલુહાણ કરી વિજય વસાવાએ રાજેન્દ્રની પત્ની ગિતાબેનના નાકમાં લાકડી મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ આપતા ડભોઈ પોલીસે પાંચેયને કસ્ટડીમાં લેવાયા હતા.
ત્યારબાદ સામા પક્ષના વિજય અમરસિંગ વસાવએ તેમની પત્નીને પિયરમાં જઈ રાજેન્દ્ર ચૌધરી પત્નીને ખોટી ચઢાવણી કરી તારો પતિ નશો કરી ફર્યા કરે છે અને કઈ કામધંધો કરતો નથી. તેવી ચઢવણી કરી ઘરમાં ઝઘડા કરાવતો હોય તેવું રાજેન્દ્રને કહેવા જતા તે ઉસ્કેરાઈ જઈ મારમારી કરી તેના હાથમાની લાકડી માથામાં મારી ઈજા કરી જાતિ વિરૂદ્ધ અપમાનિત કરતા અટ્રોસિટી એક્ટ હેઠળ ક્રોસ ફરિયાદ આપતા ડભોઈ પોલીસ દ્વારા બન્ને પક્ષની ફરિયાદ લઈ કાનુની કાર્યવાહી હાથ ધરી છે.