(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ સિલીકોન શોપર્સમાં ગતરોજ ફિલ્મી ઢબે ઈલેક્ટ્રોનિક્સના વેપારી પર બે રાઉન્ડ ફાયરિંગ કરી તેલના વેપારી કમ બિલ્ડરને ૨ કરોડની ખંડણી માટે ધમકાવવામાં આવ્યો હતો. આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડરને ધંધાકીય અદાવતમાં ધમકી મળી હોવાની શક્યતાના આધારે તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેસુ ખાતે રહેતા અને ઉધના સિલીકોન શોપર્સમાં દુકાન ધરાવતા બિલ્ડર ભીખમચંદ જૈન મૂળ રાજસ્થાનના રહેવાસી છે. તેલનો વેપાર કરવાની સાથે ભાગીદારીમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ પણ કરે છે. ગતરોજ ભીખમચંદને ધમકી ભર્યો ૨ કરોડની ખંડણી માંગતો ફોન આવ્યો હતો. તેની ગણતરીના સમય બાદ તેમની ઓફિસના સામે ૨ રાઉન્ડ ગોળીબાર થયો હતો. ગોળીબાર થવાના થોડા સમય બાદ ફરી ભીખમચંદના મોબાઈલ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. આ અંગે તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચે નિષ્કર્સ પર પહોંચી છે કે ફાયરિંગ માત્ર ધમકાવવા માટે થયું છે. આરોપીઓ ભીખમચંદને સારી રીતે ઓળખતા હોવાથી પોલીસ કોઈ અંગત અદાવત અથવા ધંધાકીય અદાવતને કેન્દ્રમાં રાખીને હાલ તપાસ કરી રહી છે. ભીખમચંદની પૂછપરછ કરીને તેને કોઈના ઉપર શંકા છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ફાયરિંગ કરી નાસી છુટેલા બંને આરોપીઓ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કળી હાથ લાગી નથી. ફોન કોલ્સના આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ભીખમચંદ પર જે નંબરથી ફોન આવ્યો હતો તે સીમકાર્ડ રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યું છે. આ સીમકાર્ડ સાથેનો મોબાઈલ બે દિવસ અગાઉ જ વેસુ વિસ્તારમાંથી અજાણ્યા ઈસમો દ્વારા સ્નેચિંગ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.