અમદાવાદ,તા.ર૪
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરવામાં આવી હતી. ત્યારે અમેરીકી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી સ્ટેજ ઉપર પહોંચી ગયા હોવા છતાં વીવીઆઈપી મહેમાનો માટેની ખુરશીઓ અડધી અડધ ખાલી રહી હતી. જેને પગલે સામાન્ય પ્રજાને વીવીઆઈપી બેઠકમાં બેસવા દેવાઈ હતી. તેમ છતાં ઘણી ખુરશીઓ ખાલી રહી હતી. ત્યારે કાર્યક્રમમાં સવારથી આવેલા લોકો ગરમીમાં અકળાઈ ગયા હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ વેળા જ ગરમીથી અકળાયેલા લોકોએ ચાલતી પકડી હતી. દરમ્યાન એક સમયે પોલીસે બહાર જતા લોકોને રોકયા હતા. પરંતુ ભારે ભીડ થતા પોલીસે લોકોને બહાર જવા દીધા હતા. જો કે ટ્રમ્પના ભાષણ બાદ વડાપ્રધાન મોદીએ આભાર પ્રવચન આપ્યું. ત્યારે સ્ટેડિયમમાં તાપમાં બેસેલા મોટા ભાગના લોકો બહાર જતાં રહ્યા હતા. એટલે ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી હતી.