ગાંધીનગર, તા.૧૦
દેશભરમાં બની રહેલી મોબલિંચિંગની ઘટનાઓનો વિરોધ કરવા માટે સુરતમાં નીકળેલી રેલી વેળા પોલીસ અને રેલીમાં સામેલ લોકો વચ્ચે ઘર્ષણ થતાં માહોલ ગરમાયો હતો. ઘટનાને પગલે પોલીસે ૩૦૭ જેવી ગંભીર કલમનો ઉમેરો કરીને નિર્દોષ લોકોની ધરપકડ કરતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને મહંમદ જાવેદ પીરઝાદાએ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને સુરતની ઘટનામાં પોલીસ દ્વારા કરાતી નિર્દોષોની આડેધડ ધરપકડને રોકવા રજૂઆત કરાઈ હતી. મુખ્યમંત્રીએ ધારાસભ્યોની રજૂઆતને પગલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તાજેતરમાં સુરત ખાતે મોબલિંચિંગના વિરોધમાં નીકળેલી રેલી ઉપર પોલીસ તંત્ર અને રેલીમાં સામેલ લોકો વચ્ચે સામાન્ય ઘર્ષણની ઘટનામાં ૩૦૭ જેવી ગંભીર કલમનો ઉમેરો કરી નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે આજે અમદાવાદા શહેરના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી હતી કે, સામાન્ય ઘર્ષણના બનાવમાં પણ ૩૦૭ જેવી ગંભીર કલમ ઉમેરાઈ છે તે પાછી લેવી જોઈએ તેમજ રેલીના વીડિયો ફૂટેજ જોઈ તોફાન કરતાં નજરે ચઢનારા દોષિતો સામે કાર્યવાહી થાય તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં લોકશાહીમાં મોબલિંચિંગ જેવી ઘટનાનો વિરોધ કરવો એ નાગરિકોનો અધિકાર છે પરંતુ તેના વિરોધમાં શાંતિપ્રિય રીતે નીકળેલી રેલીમાં રાજકીય બદઈરાદાથી મ્યુનિસિપલ કોર્પોરેટર, એડવોકેટ જેવા શિક્ષિત અને સામાજિક રીતે જવાબદાર વ્યક્તિઓ તેમજ નિર્દોષ લોકોની આડેધડ ધરપકડ કરવી એ ન્યાયના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. નિર્દોષ લોકોની ધરપકડ થવાને કારણે આજે સુરતવાસીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ચોક્કસ સમાજના લોકોના ધંધા-રોજગાર બંધ છે અને લોકો ધરપકડના ભયે પોતાના ઘરબાર છોડી અન્યત્ર જતાં રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા પોલીસ તંત્રને સૂચના આપી નિર્દોષોની આડેધડ કરાતી ધરપકડ અને કનડગત બંધ થાય તેવી માગણી કરી હતી. મુખ્યમંત્રીએ ધારાસભ્યોની રજૂઆતને હકારાત્મક રીતે લઈ યોગ્ય અને ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.