(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
દેશમાં કોઇ પણ કમ્પ્યુટરમાંથી ડેટા પર નજર રાખવા, અટકાવવા અને ડિક્રિપ્ટ કરવાની ૧૦ તપાસ એજન્સીઓને સત્તા આપતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી હોબાળો મચી ગયો છે. જોકે મંત્રાલયે એવો આગ્રહ કર્યો છે કે આ આદેશ માત્ર દેશની સુરક્ષા કે સાર્વભૌમત્વ સામે જોખમી અને ત્રાસવાદીઓના ડેટા તપાસ એજન્સીઓ મેળવી શકે તેના માટે માહિતી અને ટેકનોલોજી (આઇટી) કાયદામાં રહેલી અસંગતતા દૂર કે વ્યવસ્થિત કરવા માટે છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની સત્તા મેળવવાની માગણી લાંબા સમયથી પડતર હતી. દાખલા તરીકે અમારી પાસે કોઇ કાનૂની સમર્થન નથી, જેના આધારે અમે સોશિયલ મીડિયા ડેટા મેળવી શકીએ. સરકાર આ પગલાના વાજબી ઠરાવીને જણાવ્યું કે ટેલિગ્રાફ કાયદામાં શંકાસ્પદ લોકોના ફોન ટેપ કરવાની છૂટ આપતી જોગવાઇઓ છે પરંતુ આઇટી કાયદામાં આવી કોઇ જોગવાઇ કરવામાં આવી નથી. નેશનલ કોન્ફરન્સના વડા ઓમર અબ્દુલ્લાહ, સીપીએમના નેતા સીતારામ યેચુરી અને એઆઇએમઆઇએમના નેતા અસાદુદ્દીન ઓવૈસી સહિત વિપક્ષના નેતાઓએ ટિ્‌વટર પર સરકારના આ આદેશની ટીકા કરી છે. ઓવૈસીએ એવું ટિ્‌વટ કર્યું છે કે હવે ખબર પડી કે ‘ઘર ઘર મોદી’નો શું અર્થ છે. અમારા સંદેશાવ્યવહારની જાસૂસી કરવા માટે આપણી રાષ્ટ્રીય એજન્સીઓને છૂટ આપવા માટે મોદીએ એક સામાન્ય સરકારી આદેશનો ઉપયોગ કર્યો છે. જ્યોર્જ ઓરવેલના મોટાભાઇ અહીં છે અને ૧૯૮૪નું સ્વાગત છે. ટીકાઓનો જવાબ આપતા ગુપ્તચર બ્યૂરોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા આવા ઇન્ટરસેપ્શન કરવામાં આવે તે પહેલા દેખરેખ રાખવાના બે લેવલ હશે. ફોન ટેપિંગની જેમ અમારે કેન્દ્રીય ગૃહ સચિવને જાણ કરવું પડશે અને તેમની પાસેથી મંજૂરી મેળવવી પડશે. ગૃહ સચિવની પરવાનગીની કેબિનેટ સચિવ દ્વારા સમીક્ષા પણ કરવામાં આવશે. આ એવું નથી કે અમે પ્રત્યેક કમ્પ્યુટરને ઇન્ટરસેપ્ટ (ચકાસણી)કરવા માગીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષાના અધિકાર ક્ષેત્ર હેઠળ અમારે આ બાબત વાજબી હોવાનું પૂરવાર કરવું પડશે.