(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે કે ડ્રાઈવિંગ લાયસન્સ સાથે આધારકાર્ડ જોડવામાં આવે. મંત્રીએ કહ્યું, હું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે આ બાબત વાતચીત કરી રહ્યો છું. આધાર સામે લાયસન્સ જોડવાનો ઉદ્દેશ્ય નશામાં ડ્રાઈવિંગ કરનાર ડ્રાયવરોને ઝડપવાનો છે. નશામાં વાહન ચલાવી અકસ્માત કરી નાસી જાય છે એવા લોકોને પકડી પાડવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ બદલી શકે છે પણ પોતાની આગળીઓની છાપ બદલી શકતો નથી.
સપ્ટેમ્બર મહિનામાં પણ કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ સાથે આધાર જોડવાની વિચારણા કરી રહી છે.
માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને બેંક ખાતાઓ અને મોબાઈલ સાથે જોડવાના નિર્ણયને મોકૂફ રખાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી આધારની વૈધાનિકતાનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી એનું જોડાણ મોકૂફ રાખવામાં આવે.