(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગ્રાહકના આધાર ડેટાનો ખાનગી કંપનીઓને ઉપયોગ કરવા દેવા માટે કાયદામાં કરાયેલા સુધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીના મામલે કેન્દ્રને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેન્દ્રને જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ બીઆર ગવાઈની બેન્ચે અરજીકર્તા એસજી વોમ્બટકેરેની અરજીની નોંધ લીધી હતી જેમાં જણાવાયું હતું કે આધાર કાયદામાં ૨૦૧૯માં કરાયેલા સુધારાથી સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
અગાઉ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આધાર કાર્ડની કાયદેસરતાને યોગ્ય ઠેરવતો ચુકાદા આપ્યો હતો જેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, ગ્રાહકોએ ઓળખ માટે સ્વૈચ્છાએ આપેલા આધાર ડેટાનો ખાનગી કંપનીઓ ઉપયોગ કરી શકે નહીં. ત્યારબાદ કેન્દ્ર સરકારે આધાર કાયદામાં ફેરફાર કર્યો હતો અને બેંક ખાતું ખોલાવવા અથવા મોબાઈલ ફોન જોડાણ મેળવવા માટે ઓળખના પુરાવા રૂપે આધાર કાર્ડ આપવાનું સ્વૈચ્છિક બનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલે કરાયેલી જાહેર હિતની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી છે. આધાર અને અન્ય કાયદો (સુધારણા) વિધેયક ૨૦૧૯ જુલાઈમાં રાજ્યસભામાં ધ્વનિ મતથી પસાર કરાયું હતું અને વિપક્ષ સહિતના અન્ય પક્ષોએ ડેટાની ચોરી તેમજ અન્ય બાબતોને ટાંકીને આ બિલનો વિરોધ કર્યો હતો.