(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
આધાર કાર્ડની અનિવાર્યતાને લઇ સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આધારની બંધારણીય કાયદેસરતાને કેટલાક ફેરફાર સાથે જાળવી રાખી છે. આધારની બંધારણીય કાયદેસરતાને પડકાર આપનારી કેટલીક અરજીઓ પર બુધવારે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો અને કહ્યું કે, આધારને હવેથી બેંક ખાતામાં લિંક કરવું અનિવાર્ય નથી. સાથે જ કોર્ટે કહ્યું કે, મોબાઇલ કંપનીઓ પણ હવે આધાર માગી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે બહુમતીનો નિર્ણય વાંચી સંભળાવતા સ્વીકાર્યું છે કે, આધાર આમ આદમીની ઓળખ છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બંધારણીય પીઠે ૩૮ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ ૧૦ મેના રોજ આ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એસ પુત્તાસ્વામીની અરજી સહિત કુલ ૩૧ અરજીઓ દાખલ કરાઇ હતી.
આં અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. ૧૪૪૮ પેજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સેવાઓના સંચાલન માટે ખાનગી કંપનીઓ કોઇપણ વ્યક્તિ પાસેથી ચહેરા, ફીંગરપ્રિન્ટ અને આંખોના સ્કેન માટે આધારની વિગતો માગી શકે નહીં. પણ નાગરિકના આવકવેરા રિટર્નની માહિતીમાં પાન કાર્ડ નંબર સાથે ૧૨ આંકડાનો આધાર નંબર આપવાનો રહેશે.
૨. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, શાળામાં પ્રવેશ માટે, સીબીએસઇ માટે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને નીટની મેડીકલ પ્રવેશ પરીક્ષા માટે ફરજિયાત નથી. ‘‘કોઇપણ બાળકને આધારના નામે લાભથી વંચિત રાખી ન શકાય.’’
૩. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી બેંચે કહ્યું કે, આધાર સ્વૈચ્છિક હોવું જોઇએ જેમાંથી બહાર આવવાનો વિકસ્પ હોવો જોઇએ. નાગરિકોની ન્યૂનતમ વસ્તી વિષયક અને બાયોમેટ્રિક ડેટાની યુઆઇડીએઆઇ દ્વારા નોંધણી કરવામાં આવે છે અને સિસ્ટમ મોટા જાહેર હિતોને સેવા આપે છે. અમારી એવો વિચાર છે કે, આધાર યોજના હેઠળ માગવામાં આવેલો ડેટે તેને સુરક્ષિત રાખવા માટે પૂરતો છે.
૪. ત્રણ ટકાને બાદ કરતા ૯૭ ટકા લોકોને આધારના લાભોથી વંચિત રાખી શકાય નહીં તેમ કહેતા સુપ્રીમે જણાવ્યું કે, કોઇ બાથવોટરમાંથી બાળકને બહાર ફેંકી શકે નહીં.
૫. સામાજિક કલ્યાણકારી યોજનામાંથી કોઇપણ વ્યક્તિને બાકાત રાખી શકાય નહીં કારણ કે, તેમનો આધારકાર્ડ યોગ્ય નથી. કોર્ટે સરકારને એવો પણ નિર્દેશ આપ્યો કે, આધાર ગેરકાયદે વસાહતીઓને ના આપે. આજના સમયમાં અમને એવું લાગતું નથી કે, કોઇપણ નાગરિકની ગોપનિયતાનું ઉલ્લંઘન આઘાર કાયદાથી થાય છે. આધારની યોગ્યતા સામે ૨૭ અરજીઓ સામે સુપ્રીમે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.
૬. જજોએ કહ્યું કે, ‘‘આધાર એ અદ્વિતીય છે અને અદ્વિતીય શ્રેષ્ઠ કરતા વધુ સારૂ છે.’’ આધાર અને અન્ય ઓળખના પુરાવા વચ્ચે અદ્વિતીયતા મૌલિક અંતર છે. અદ્વિતીય ઓળખ હોવાને કારણે આધારની નકલ ના થવી જોઇએ.
૭. બીજી તરફ જસ્ટિસ ચંદ્રચુડે આધારને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને આધાર કાયદાને મની બિલ તરીકે ગણાવ્યું હતું જે રાજ્યસભામાં પસાર થવાથી બંધારણ સાથે છેતરપિંડી ગણાશે.
૮. કોંગ્રેસની આગેવાનીવાળી સરકારે આ યોજના ૨૦૧૦માં બહાર પાડી હતી. તેને સામાજિક યોજનાઓ પુરતી જ લાગુ કરવામાં આવી હતી પણ સરકારો બદલાતા તે બેંક એકાઉન્ટ, પાનકાર્ડ બનાવવા, સેલફોન સેવા, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ ફરજિયાત કરવામાં આવી હતી.
૯. બાયોમેટ્રિક ડેટાબેઝને આધાર સાથે જોડવાના કેસમાં ગયા વર્ષે સરકાર એવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી કે, ભારતીયોને ગોપનિયતાનો મૌલિક અધિકાર નથી. સરકાર આ કેસ હારી ગઇ હતી. સુપ્રીમે કહ્યું હતું કે, ગોપનિયતા જીવનનો અભિન્ન ભાગ અને અંગત આઝાદીનો ભાગ છે જે બંધારણના આર્ટિકલ ૨૧ અનુસાર છે.
૧૦. દેશના બીજા સૌથી લાંબા કેસની ૩૮ દિવસ સુધી ચાલેલી સુનાવણીમાં કેટલાક આધારો પર કેન્દ્ર સરકારે સતત આધાર કાયદાનો બચાવ કર્યો હતો.

કઇ-કઇ બાબતો માટે આધાર જરૂરી નથી
૧. હવેથી શાળામાં પ્રવેશ માટે આધાર જરૂરી નથી.
૨. બેંક ખાતાઓને આધાર સાથે લિંક કરવા જરૂરી નથી. સુપ્રીમે આ નિર્ણયને રદ કર્યો છે.
૩. મોબાઇલ સિમકાર્ડ માટે આધાર લિંક કરવું જરૂરી નથી.
૪. મોબાઇલ કે કોઇ ખાનગી કંપની તમારી પાસે આધાર માગી શકે નહીં.
૫. યુજીસી, નીટ અને સીબીએસઇની પરીક્ષાઓ માટે આધારકાર્ડ જરૂરી નથી.
૬. બોર્ડ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી આધાર માગી શકાય નહીં.
૭. ૧૪ વર્ષથી નાના બાળકો પાસે આધાર ના હોય તો બાળકને કેન્દ્ર અને રાજ્ય સરકારોની સુવિધાઓથી વંચિત રાખી શકાય નહીં.
૮. ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ, પ્રાઇવેટ બેંક અને અન્ય પ્રકારની આવી સંસ્થાઓ આધારની માગણી ના કરી શકે.
કઇ-કઇ બાબતો માટે આધાર જરૂરી છે
૧. આધાર સાથે પાનકાર્ડને લિંક કરવું જરૂરી છે.
૨. આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે આધાર નંબર ફરજિયાત છે.
૩. સરકારની કલ્યાણકારી યોજનાઓમાં આધાર જરૂરી છે.
૪. સુરક્ષા બાબતોમાં એજન્સીઓ આધાર માગી શકે છે.

આધાર કાયદો નાણાં બિલ બનવું જોઇએ નહીં : જસ્ટિસ ચંદ્રચુડ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
સુપ્રીમકોર્ટ દ્વારા આધારને અમુક શરતો સાથે બંધારણીય રીતે કાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. સુપ્રીમકોર્ટના પાંચ જજીસમાંથી એક જજે જણાવ્યું કે રાષ્ટ્રીય ઓળખ કાર્ડ યોજનાને તેના વર્તમાન સ્વરૂપમાં બંધારણીય ઠરાવી શકાય નહીં. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે પોતાના અસંમત ચુકાદામાં જણાવ્યું કે આધાર વ્યક્તિઓની પ્રોફાઇલ્સ બનાવવાની મંજૂરી આપે છે, આ બાબત પ્રાઇવસી અધિકારની વિરૂદ્ધમાં છે અને સંભવિત જાસૂસીને શક્ય બનાવે છે. રાજ્યસભામાં સરકારની બહુમતી નહીં હોવાથી રાજ્યસભાને બાયપાસ કરીને નાણા બિલની જેમ આધાર કાયદો પાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ અંગે જસ્ટિસ ચંદ્રચુડે જણાવ્યું કે આધાર કાયદો પાસ કરવા માટે રાજ્યસભાને અવગણવાની બાબત પ્રપંચી હિકમત છે અને કાયદો રદ કરી શકાય છે. આધાર કાર્યક્રમ માહિતીપૂર્ણ પ્રાઇવસી, આત્મ-નિર્ણય અને ડેટા સુરક્ષાનો ભંગ કરે છે. ડેટા સુરક્ષા પુરી પાડવા માટે નિયમનકારી તંત્ર નથી. આધાર વગર ભારતમાં રહેવાનું અશક્ય છે.